ગાંધીનગર: જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ વાહન સ્ક્રેપિંગ પોલિસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. મહાત્મા મંદિર ખાતે રોકાણકારોના સંમેલનને વર્ચ્યુલી સંબોધતા વડાપ્રધાને સ્ક્રેપિંગ પોલિસીને કચરામાંથી કંચનના અભિયાન તરીકે ગણાવી કહ્યું આ નીતિથી દેશમાં ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવશે અને હજારો લોકોને રોજગારી મળશે. સ્ક્રેપ થનારા વાહન સામે ગ્રાહકને એક્સ શૉ રૂમ કિંમતથી ૪ થી ૬ ટકાનું વળતર મળશે. સ્ક્રેપ સર્ટિફિકેટના આધારે નવું વાહન લેવા માટે લાભ મળશે. સ્ક્રેપ માટેનો આધાર વાહનોની ઉંમર નહીં, તેની ફિટનેશની સ્થિતિ હશે
• ફિટનેસ કેટલીવાર?
૧૫ વર્ષ પછી દર ૫ વર્ષે આ સર્ટિફિકેટ લેવું પડશે. મહત્તમ ૩ વાર લઈ શકાશે પછી સ્ક્રેપ થશે.
• ચોરીના વાહનનું સ્ક્રેપ થશે?
સ્ક્રેપ સેન્ટર પર વાહનના તમામ દસ્તાવેજની તપાસ થશે. આથી તેની આશંકા બિલકુલ નથી.
• કંડિશન સારી હોય તો?
વાહન ઠીક હોય તો ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. ત્યારે નવું રજિસ્ટ્રેશન થશે અને પછી રસ્તા પર ચલાવી શકાશે.
• સ્ક્રેપિંગ કેવી રીતે નક્કી થશે?
ખાનગી વાહનનું રજિસ્ટ્રેશન ૧૫ વર્ષ, કોમર્શિયલનું ૧૦ વર્ષ માટે હોય છે. પછી તેને સ્ક્રેપમાં આપવું પડે છે.
રાજ્યમાં ૧૦ લાખથી વધુ વાહનો સ્ક્રેપ પોલિસીના દાયરામાં
ગુજરાતમાં અંદાજે ૬૦ લાખથી વધુ કોર્મશિયલ અને પેસેન્જર વાહનો છે જેમાંથી સ્ક્રેપ પોલિસી હેઠળ સાત લાખથી વધુ વાહનો આવે તેમ છે. જો સરકારની પોલિસીનો વાસ્તવિક અમલ થાય તો ગુજરાતમાંથી સરેરાશ ૭ લાખથી વધુ વાહનો સ્ક્રેપમાં જઇ શકે છે. સ્ક્રેપ પોલિસીના કારણે ૧૦ ટકા પણ નવા વાહનોનું વેચાણ વધે તો ગુજરાતના ઓટો ઇન્ડસ્ટ્રીઝને સારો ફાયદો મળશે. ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ દર મહિને રૂ.૨૨૦૦ કરોડથી વધુ છે. જેમાં સરેરાશ દર મહિને ૨૩૦૦૦થી વધુ પેસેન્જર વાહનો (કાર) અને ૬૦૦૦૦થી વધુ ટુ-વ્હિલરનું વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કુલ વેચાણ થતા વાહનોમાં અમદાવાદનો હિસ્સો ૨૫-૩૦ ટકા રહ્યો છે.