ઉનાઃ મોબાઇલ ગેઇમનો ટાસ્ક પૂરો કરવા માટે ધો.૯ ના વિદ્યાર્થીએ યુવતીના કપડાં પહેરીને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વાલીઓ માટે લાલબત્તી સામાન આ કિસ્સામાં ૧૬ વર્ષના વિદ્યાર્થી તરુણ નંદવાણાએ આ પગલું ભર્યુ હતું.
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સાજણનગર વિસ્તારમાં રહેતાં દિલીપભાઇ નાનો પુત્ર તરુણ બપોરના સમયે મોબાઇલ ફોન લઇને મકાનના ઉપરના રૂમમાં ગયો હતો. માતાએ ભોજન માટે પુત્રને બોલાવ્યો હતો. પણ તે આવ્યો ન હતો. આથી માતા ઉપરના રૂમ પર ગઇ હતી. ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. બાદમાં પાડોશીની મદદ લઇને રૂમનો દરવાજો તોડયો હતો. રૂમમાં પુત્ર તરુણે યુવતીના કપડાં પહેરીને ગળાફાંસો ખાઇ લીધાનું નજરે પડયું હતું. આ દ્રશ્ય જોઇને તેની માતા હતપ્રભ થઇ ગઇ હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ૧૬ વર્ષના તરુણે કયા કારણોસર ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધુ તેનું રહસ્ય ઘેરુ બન્યું છે. તરુણે મોબાઇલ ગેઇમનો ટાસ્ક પૂરો કરવા માટે યુવતીના કપડાં પહેરીને આ પગલું ભરી લીધાનું અનુમાન કરવામાં આવે છે. પોલીસે મોબાઇલ ફોન કબજે લઇને એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.