નવી દિલ્હીઃ સંસદનું આખું ચોમાસુ સત્ર આ વખતે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળાને ભેટ ચઢી ગયું. ત્રણ સપ્તાહમાં એક પણ દિવસ સત્રની કાર્યવાહી યોગ્યરૂપે ચાલી શકી નહોતી. પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે વિપક્ષે સતત સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો કરતાં વારંવાર કાર્યવાહી ખોરવવી પડી હતી. જોકે, ૧૧ ઓગસ્ટનો દિવસ સંસદીય ઈતિહાસમાં સૌથી શરમજનક રહ્યો. રાજ્યસભાનો એક સીસીટીવી વીડિયો વાઈરલ થયો છે, જેમાં વિપક્ષના સાંસદો અને માર્શલો વચ્ચે ભારે ધક્કા-મૂક્કી થઈ રહી છે. આ હોબાળાના કારણે ચોમાસુ સત્ર નિશ્ચિત સમયના બે દિવસ પહેલાં સમાપ્ત કરી દેવાયું હતું.
રાજ્યસભામાં સાંસદો અને માર્શલો વચ્ચે ધક્કામૂક્કીનો વીડિયો વાયરલ થતાં વિપક્ષે માર્શલો પર મારામારીનો આક્ષેપ મૂક્યો હતો. બીજીબાજુ માર્શલોએ પણ વિરોધ પક્ષના સાંસદોએ તેમની સાથે બળજબરી કરવી હોવા અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. સરકારે પણ ધક્કા-મૂક્કી માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. ચોમાસુ સત્ર વહેલાં પૂરું કરવા અને સાંસદો સાથે માર્શલો દ્વારા ગેરરીતિ આચરવાના વિરોધમાં
વિપક્ષ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.