ગાંધીનગરઃ સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં આવે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન ખુબ સારું કામ કરી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં જ લડાશે.
ગાંધીનગરમાં કોબા પાસે પ્રદેશ કાર્યાલયમાં ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા આવેલા પાટીલે આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશના કાળી ટોપી પહેરી હતી. અલબત્ત પાટીલ ક્યારેય સંઘમાં પ્રવૃત રહ્યા નથી. આ દરમિયાન જ તેમણે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ પત્રકારોને જણાવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નેતૃત્વ પરિવર્તનની વાતો છાશવારે ઊડતી રહે છે. રૂપાણી સરકારનાં પાંચ વર્ષની ઉજવણી બાદ પણ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન આવશે તેની ચર્ચાઓ ભાજપનાં જ વર્તુળોમાં છે. તે સંજોગોમાં પાટીલે આ નિવેદન આપ્યું હતું.