ભુજ: ૨૧ મી સદીમાં અંધશ્રદ્ધાના બનાવો આજે પણ બને છે. જેનો વરવો નમુનો કચ્છના રાપર તાલુકાના ગેડી ગામની ભક્તિવાંઢમાં બન્યો હતો. આ ગામની એક પરિણીતા બે માસ અગાઉ પિયરથી નાસી છુટી હતી અને હજુ સુધી પરત ફરી નથી ત્યારે આ પરિણીતાને ભગાડવામાં તેના જ પિયરીયાઓનો હાથ હોવાની શંકા રાખી સચ્ચાઈના પારખા કરવા જમાઈએ સસરા સહિત ૬ વ્યકિતઓના હાથ માતાજીના મંદિરે ઉકળતા તેલમાં નખાવ્યા હતા.
ભકિતવાંઢની યુવતીના લગ્ન ગેડી ગામના રત્ના કોળી સાથે સામાજીક રિતરિવાજ મુજબ થયા હતા. પરંતુ બે મહિના પહેલા જમાઈ સાથે મહિલા પિયર આવ્યા બાદ ગુમ થઈ હતી. ત્યારબાદ સાસરીયા અને પિયર પક્ષવાળા શોધખોળ કરી રહ્યા હતા. બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો. પરંતુ પરિણીતાનો કોઈ પતો લાગતો ન હતો. દરમિયાન જમાઈ સહિત સસરા પક્ષના ૯ લોકો દ્વારા પિયરપક્ષના સસરા હીરા કોળી સહિત ૬ વ્યકિતઓને સમાધાન કરવા ગેડી બોલાવ્યા હતા. ત્યાંથી માતાજીના મંદિરે લઈ જવાયા હતા. બંને પક્ષના લોકો દ્વારા મંદિરે પહોંચ્યા હતા જયાં જમાઈ દ્વારા સસરા પક્ષના લોકો પર વહેમ રાખીને મારી પત્નીને તમે ભગાડી મુકી છે અથવા વેચી દીધી છે એવા આક્ષેપો કર્યા હતા અને આ ખોટું હોય તો પહેલાથી તવામાં રાખેલા ગરમ તેલમાં હાથ નખાવવા ધોકા, લાકડી સહિતના હથિયારો સાથે બળજબરી કરી હતી. બળજબરીપૂર્વક તેલના તવામાં હાથ નખાતા ૬ લોકોના હાથ બળી ગયા હતા.