આણંદના ગોકુલધામને NRI તરફથી ૧૩૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સહાય

Wednesday 19th May 2021 08:38 EDT
 

આણંદ: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા અનેક ધાર્મિક સંસ્થાઓ અને NGO આગળ આવી રહ્યા છે. NRIનો વિસ્તાર કહેવાતો આણંદ જિલ્લો પણ કોરોના મહામારીના સંક્રમણમાં બાકાત રહ્યો નથી, ત્યારે વિદેશમાં વસતા નાગરિકો હવે ધાર્મિક સંસ્થાઓ થકી મહામારીના સમયમાં સેવા કરવા આગળ આવી રહ્યા છે. આણંદ જિલ્લાના નાર પાસે આવેલા ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ દ્વારા લોક ભાગીદારીથી ૧૩૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મેળવી સમાજમાં દર્દીઓની સેવામાં અર્પણ કરવામાં આવ્યા છે. ૧૩૦ જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનની વ્યવસ્થા કરાઈ છે. સાંસદ સભ્ય તથા જિલ્લા પ્રમુખની ઉપસ્થિતમાં આ મશીનનું વિતરણ કરાયું હતું. અમેરિકાના રહેવાસી ડૉ. અરવિંદ પટેલ દ્વારા વિદેશમાં રહેતા ભારતીયોની મદદથી ૧૦૦ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને અન્ય 30 જેટલા મશીન લોકભાગીદારીથી નાર ગોકુલધામ ખાતે મોકલી આપ્યા છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ ગોકુલધામ નાર ખાતે સાંસદ સભ્ય મિતેશ પટેલ તથા જિલ્લા પ્રમુખ વિપુલ પટેલની ઉપસ્થિતમાં આ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus