નવસારીઃ કોરોનાએ અનેકો પરિવારને વિખેરી નાખ્યાં છે, ડોક્ટરો હોય કે પછી ઓરોગ્યકર્મીઓ દર્દીઓને બચાવવા માટે દિવસ-રાત એક કરીને અવિરત સેવા બજાવી રહ્યાં છે. આવા સમયે દર્દી અને તેમના પરિવાર પાસે ભગવાનને દુઆ કર્યા સિવાય બીજો કોઇ માર્ગ બચ્યો નથી. નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી રિતેષભાઇ પટેલના પત્ની નિકુંતીબેન અને બહેન વર્ષાબેન સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં બેસીને તેમના ભાઇ-પતિને બચાવવા માટે નોટબુકમાં જય માતાજી લખીને પ્રાથના કરી રહી છે. રિતેષભાઇ છેલ્લા ૫ દિવસથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. રિતેષભાઇને હિંમત આપવા માટે બહેન અને પત્ની રોજ સવારે રાનકૂવાથી આવે છે અને સાંજે ૫ વાગ્યા સુધી હોસ્પિટલ પ્રાંગણમાં જ બેસીને રિતેષભાઇ જલ્દી સારા થઇ જાય તેના માટે નોટબુકમાં જય માતાજીના નામ લખીને જાપ કરે છે.
આ સાથે જ રિતેષભાઇની તબિયત કેવી છે તે જાણવા માટે તેમને વિડિયો કોલ પણ કરે છે અને કોઇપણ પ્રકારની ચિંતા ન કરી આરામ કરવાનું કહે છે. આમ કોરોનામાં લોકો દવાની સાથે દુઆ કરીને પોતાના સ્વજનને જલ્દીથી સાજા કરવાની પ્રાર્થના કરી રહ્યાં છે. દર્દીઓ માટે ડોક્ટર દવા તો સ્વજનો દુઆ કરી સ્વસ્થતાની પ્રાર્થના કરે છે.