પાલનપુરઃ બનાસકાંઠાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા ખેતરમાં ઉગમણી દિશાએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજે પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા. ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું. પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. બહેનોએ ધરતી માતાની પૂજા કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં બહેનો દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચયા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી. અને કોરોના મહામારીનો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખુબજ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી.