ગુજરાતમાં સૌપ્રથમ: પિતાના નામ વગર જ આધારકાર્ડ ઈશ્યૂ કરાયું

Wednesday 19th May 2021 07:37 EDT
 

અમદાવાદઃ ગુજરાતમાં સૌ પ્રથમવાર પિતાના નામ કે અટક વગરનું આાધારકાર્ડ કાઢવામાં આવ્યું છે. અમદાવાદમાં ઓટોરિક્ષા ચલાવતા રાજવીર તેની ૧૩ વર્ષની દિકરી માટે આ પ્રકારનું આધારકાર્ડ મેળવવામાં સફળ રહ્યા છે. પરંતુ આ આધારકાર્ડ માટે તેને બહુ બધી જટીલ પ્રક્રિયામાંથી પસાર પણ થવું પડ્યું હતું.
આ ઓટોરિક્ષા ચાલક રાજવીરનું કહેવું છે કે, દેશમાં અટકના નામે જાતિવાદ અને પિતાના નામનો ઉપયોગ અનેક લોકો લાગવગ તરીકે કરે છે. જેની વિરુદ્ધનું આ અભિયાન છે અને તેના ભાગરૂપે તેમણે પોતાના અને પોતાની દિકરીના નામમાં પિતાનું નામ અને અટકને હટાવી દીધી છે.
શરૂઆતમાં તો આ પ્રકારનું આધારકાર્ડ મેળવવા માટે બહુ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને લઈને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. બાદમાં આધારકાર્ડ મેળવવા માટેના જવાબદાર વિભાગે તેમને આ પ્રકારનું આધારકાર્ડ મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.


comments powered by Disqus