અમદાવાદઃ મે મહિનાના માત્ર ૧૭ દિવસમાં જ ગુજરાતના દૈનિક કેસમાં ૫૧ ટકાનો અને દૈનિક મોતની સંખ્યામાં ૫૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ આજે વિતેલા ૨૪ કલાકમાં નવા ૭,૧૩૫ કેસ નોંધાયા છે, જે છેલ્લા ૩૪ દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા ૧૩ એપ્રિલના રોજ ૬,૬૯૦ કેસ નોંધાયા હતા, જેના બીજા દિવસે ૧૪મી એપ્રિલે દૈનિક કેસ ૭,૦૦૦ને પાર પહોચતાં ૭,૪૧૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સાજા થનાર દર્દીની સંખ્યા ૧૫,૦૦૦થી વધું નોંધાઈ રહી હતી, પરંતુ આજે આ સંખ્યા ઘટીને ૧૨,૩૪૨ નોંધાઈ છે. ગુજરાતનો રિકવરી રેટ વધીને ૮૫.૬૮ ટકાએ પહોચી ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ૧ લાખથી નિચે આવી ગઈ છે.
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ૧૪,૬૦૫ કેસ ૩૦ એપ્રિલના રોજ નોંધાયા હતા અને આ દિવસે મોતની સંખ્યા ૧૭૩ નોંધાઈ હતી. અમદાવાદમાં નવા ૨,૩૩૮ કેસ નોંધાયા, ૪,૬૮૯ દર્દી સાજા થયાં
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં નવા ૨,૩૩૮ કેસ નોધાયા હતા. સારવાર દરમિયાન આજે ૪,૬૮૯ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. શહેરમાં કોવિડ-૧૯ના કારણે વધુ ૧૨ દર્દીના અને જિલ્લામાં ૧ દર્દીનું મોત થયું હતુ. અમદાવાદ જિલ્લામાં ૨૪ કલાકમાં માત્ર ૩૯ કેસ નોધાયા છે અને ૪૬ દર્દી સાજા થયાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૧૧,૧૯૯એ પહોચી છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કારણે ૩,૦૮૮ નાગરીકોના મોત નીપજ્યા છે.