ગોધરાઃ ઘેર બેઠા રેપીટ એન્ટીજન કીટથી કોરોનાના ટેસ્ટ કરીને નાણાં પડવતા આરોગ્ય વિભાગના એક કર્મચારીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરાના વેજલપુર આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીની પાસેથી ૧૩૫ કીટ પોલીસે જપ્ત કરી હતી. ગોધરાના રાણી મસ્જિદ સામે મીઠીખાના મહોલ્લામાં એક વ્યક્તિ કોરોનાના ટેસ્ટ ઘરે કરી રહ્યો છે. તે ટેસ્ટ કરવાના વધુ નાણાં વસૂલતો હતો. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમ તેમજ જિલ્લા ફાર્માસિસ્ટ અને અન્ય અધિકારીઓએ મળીને દરોડા પાડ્યા હતા. જેમાં રિઝવાન એહમદ નામની વ્યક્તિના ઘરમાંથી અલગ અલગ કંપનીના સાત બોક્સમાં કુલ ૧૩૫ નંગ રેપીડ એન્ટીજન કીટ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૨,૦૨,૫૦૦ હોવાનું જણાવ્યું હતુ.