ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાઉતે વાવાઝોડાના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી બાવન ગજની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દરરોજ જુદા જુદા સમયે પાંચ ધ્વજા દ્વારકાધીશ મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. ૫૨ ગજની આ ધ્વજાનું અનન્ય મહત્વ છે. ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા આ ધ્વજાને વાવાઝોડાની અસર જ્યાં સુધી ઓછી ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ફરકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે આજે દ્વારકાધીશ મંદિર પર પરંપરાગત ધ્વજાઓ અડધી કાઠીએ લેવામાં આવી હતી. વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં મંદિર સંચાલકો દ્વારા ધ્વજા ફરકાવતા અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. જે આજે પણ અમલમાં મુકવામાં આવ્યો છે. એકાદ-બે દિવસમાં પરિસ્થિતિ થાળે પડયા બાદ દ્વારકાધીશજીની ધ્વજા પૂર્વવત રીતે ફરકાવવામાં આવશે.