ઊના: હાલ કોરોના મહામારીમાં લગભગ બધા તબીબ ખડેપગે દર્દીની સારવાર કરે છે. ત્યારે ઊનાની ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ડો. બી. આર. પંડ્યાની ફરજ પરસ્તી તેમને મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવી દે એવી જોવા મળી. ડો. પંડ્યાની તબિયત સારી નહોતી. તેમને બાટલા ચઢતા હતા. એજ વખતે અચાનક ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી આવ્યા. તેને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો. ડો. પંડ્યા પોતાના બેડ પરથી ઉભા થઇ ગયા. એક તરફ સ્ટ્રીપ ચાલુ હતી છત્તાં તેઓ હાર્ટ પેશન્ટને બચાવવા સતત મથતા રહ્યા. જોકે, આખરે દર્દીએ ત્યાંજ અંતિમ શ્વાસ લીધા. જેનો જીવ બચાવી ન શક્યાનો અફસોસ આ તબીબે વ્યક્ત કર્યો હતો.