અમદાવાદઃ કોરોનાની પહેલી લહેરમાં અન્ય ઉદ્યોગોની જેમ મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો, પરંતુ બાદમાં વૈશ્વિક સ્તરે ચીન વિરુદ્ધ જે સેન્ટિમેન્ટ બન્યું એનો લાભ મોરબીને થયો હતો અને અહીંનો સિરામિક ઉદ્યોગ ઝડપથી રિકવર થઈ શક્યો. જોકે કોરોનાની બીજી લહેર ચાલુ છે ત્યારે ઇન્ડસ્ટ્રી માટે ચિંતાનો વિષય થોડો અલગ છે. ભારતમાં ઉદ્યોગો માટેના બંધનો તેમજ ટ્રાન્સપોર્ટેશનમાં અવરોધને કારણે ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ બધાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારત માટે જે તક ઊભી થઈ એનો પૂરો લાભ લઈ લઈ શકાતો નથી.
આયાતકાર દેશો તરફથી ઇન્ક્વાયરી પણ આવે છે. જોકે મુશ્કેલી એ છે કે વર્તમાન સંજોગોમાં સમયસર માલ પહોંચાડી શકાય તેમ નથી. કન્ટેનર ઓછા મળી રહ્યાં છે અને સાથે જ ફેક્ટરીથી પોર્ટના ટ્રાન્સપોર્ટેશનમાં પણ તકલીફ આવી રહી છે. આવા સંજોગોમાં બની શકે છે કે જે લોકો ભારતથી સિરામિક ઉત્પાદનો લેતા હતા અથવા ભારત તરફ વળ્યા હતા તેઓ ફરી ચીન તરફ જઈ શકે છે. હજુ સુધી એવું નથી થયું, પણ ચીનની સરકારે અમુક દેશો માટે ઇન્સેન્ટિવ આપવાનું પણ શરૂ કર્યું છે. પાછલા અમુક મહિનાઓમાં ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન અને શિપિંગ ચાર્જીસમાં બહુ મોટો વધારો થયો છે. ભાડા પર નજર કરીએ તો અગાઉ જે કન્ટેનરના ૩૦૦ ડોલર હતા એ અત્યારે ૧૧૦૦-૧૨૦૦ ડોલર ભાવ થઈ ગયો છે. આ સંજોગોમાં એક્સપોર્ટના ઓર્ડર પૂરા કરવામાં તકલીફ પડી રહી છે. ગ્લોબલ સિરામિક માર્કેટમાં ચીનનો હિસ્સો ૬૦% જેટલો હતો. કોરોના આવ્યા બાદ ચીનનું જે વલણ રહ્યું છે એનાથી ઘણા દેશો નારાજ છે અને ચીનથી ખરીદી કરવાને બદલે બીજો ઓપ્શન પસંદ કરી રહ્યા છે. આ બધાને કારણે ચીનની હિસ્સેદારી ઘટીને ૨૦-૨૨% ઉપર આવી ગઈ છે. બીજી તરફ આનો ફાયદો ભારતને થયો છે.