મહારાષ્ટ્રમાં વાવાઝોડાની અસરઃ ૧૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયોઃ ૧૫નાં મોત

Wednesday 19th May 2021 08:45 EDT
 
 

મુંબઈઃ કેરળ, કર્ણાટક બાદ વાવાઝોડા તૌકતેએ મહારાષ્ટ્રને ઘમરોળ્યું હતું. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ અને તોફાની પવનને કારણે ખૂબ જ નુકસાન થયું હતું. મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વાવાઝોડામાં વૃક્ષો પડવા અને પૂરમાં તણાઈ જવાને પગલે રાજ્યમાં ૧૫ લોકોનાં મોત થયાં હતાં.
વાવાઝોડાને પગલે નવી મુંબઈમાં ત્રણ, રાયગઢમાં બે, જલગાંવમાં બે તથા સિંધુદુર્ગ અને માહિમમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઉપરાંત વાવાઝોડા તૌકતેના પગલે મહારાષ્ટ્રના કોંકણ જિલ્લામાં પણ ભારે વરસાદ પડયો હતો. અહીંયા તોફાની પવનો ફુંકાવા ઉપરાંત ધોધમાર વરસાદ પડતાં દરિયામાં ગયેલી હોડીઓ ફસાઈ હતી. તેમાંથી બે હોડીઓ ડૂબી ગઈ હતી. આ હોડીઓમાં સવાર છ લોકોનાં ડૂબી જવાથી મોત થયા હતા. વાવાઝોડાને પગલે મુંબઈમાં ૧૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉપરાંત દરિયામાં ૧૩ ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં જેથી કિનારાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સીલિંક પણ બંધ કરી દેવાયો હતો. દિવસભર પડેલા વરસાદને કારણે મુંબઈમાં રસ્તા, રેલવે અને હવાઈ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. અનેક વિસ્તારોમાં લોકલ અને મોનોરેલ સેવાઓ બંધ કરાઈ હતી. એરપોર્ટ ઉપર પાર્ક કરેલા વિસ્તારા અને અન્ય એરલાઈન્સના પ્લેન ફંટાઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત સુધી ફ્લાઈટ ઓપરેશન બંધ કરાયું હતું.

ગોવામાં ૧૦૦થી વધુ મકાનો તૂટી પડ્યા

ગોવામાં બે દિવસ તોફાની પવનોનું સામ્રાજ્ય ફેલાયું હતું. તોફાની પવનોને કારણે બે દિવસમાં ૫૦૦થી વધુ વૃક્ષો ધરાસાયી થયાં હતાં. તો ૧૦૦થી વધુ મકાનો તૂટી પડયાં હતાં. પણજી અને તેના કાંઠાના ગામડાઓમાં દરિયાનું પાણી ધસી આવતાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ વૃક્ષો અને વીજળીના થાંભલા પડવાના કારણે અનેક જગ્યાએ રસ્તા બંધ થઈ ગયા છે અને અંધારપટ છવાઈ ગયો છે

કેરળમાં તોફાની વરસાદ પડતા ઘોડાપુર, કાઠાંના વિસ્તારો પાણીમાં ગરકાવ

ચક્રવાતને કારણે કેરળના અલપ્પુઝા અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ પાણી ઘૂસી જવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ૩૦૦થી વધુ વીજળીના થાંભલા તૂટી પડયા છે. કિનારાના વિસ્તારોમાં ૧૦૦થી વધુ મકાનો અને ૭૦ જેટલી નાની-મોટી હોડીઓ ક્ષતિગ્રસ્ત થઈ છે.

કર્ણાટકના ૧૨૧ ગામ ચક્રવાતથી પ્રભાવિત

કર્ણાટકમાં ચક્રવાતે ૧૨૧ ગામ અને તાલુકામાં વિનાશ વેર્યો હતો. ૫૪૭ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા.૧૩ જેટલી રાહત શિબિરોમાં ૪૦૦થી વધુ લોકોને આશ્રય અપાયો હતો. વાવાઝોડાથી ૩૩૩ મકાનો, ૬૪૪ થાંભલા, ૧૪૬ વીજ ટ્રાન્સફોર્મર્સ, ૫૭ કિ.મી. જેટલી સડક, ૫૭ વૃક્ષ, ૧૦૪ હોડીઓને નુકસાન પહોંચ્યું છે.

વડા પ્રધાને ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક ચર્ચા કરી

વડા પ્રધાને વાવાઝોડાના અનુસંધાને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી તમામ મદદની ખાતરી આપી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરવા ઉપરાંત તમામ સ્તરે મદદની તૈયારી બતાવી હતી. જ્યારે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચક્રવાતની અસરો મુદ્દે ચર્ચા થઈ હતી.


comments powered by Disqus