રાજકોટઃ કોરોના સમયમાં ઓક્સિજનની કટોકટી લોકોને પર્યાવરણનું ખાસ્સું મહત્ત્વ સમજાવી જાય છે. રાજકોટના વૃક્ષપ્રેમી ભરત સુરેજાએ એક ઓક્સિજન પાર્કનું નિર્માણ કર્યું છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ઓક્સિજન પાર્કમાં ત્રણ હજાર જેટલાં વૃક્ષો વાવી દીધાં છે, જે કોરોનાના દર્દીઓ માટે અક્સીર સાબિત થઈ રહ્યાં છે. મોટી સંખ્યામાં કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવા પહોંચી જાય છે.
૨૦૧૬માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ કે જે બંજર હતો એમાં ભરતભાઇ અને તેની ટીમે ઓક્સિજન પાર્ક ઊભો કર્યો છે. અઢી વર્ષ પહેલાં આ પાર્કને બનાવવામાં આવ્યો છે અને આજે ૧ એકરની આ જમીનમાં ૧૧૫ જાતિનાં ૩૦૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અંદર ઔષધિય છોડ પણ વાવ્યા છે. હાર્ટ બ્લોક થઇ જાય તો એ છોડ બ્લોક ખોલી દે એવા છોડ વાવ્યા છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં આવે છે તો તેમને ઘણીબધી રાહત મળી છે.