ગાંધીનગર: નાની એવી સૂઝબૂઝ પણ કોરોનાના દર્દીઓના જીવ બચાવી શકે છે. આવી જ એક પહેલ વિજાપુર તાલુકાના જેપુર પે સેન્ટરની ૧૩ શાળાના શિક્ષકોએ કરી છે.
હાલની કોરોના મહામારીમાં ઓક્સિજનવાળા બેડ મળતા ન હોવાથી દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે તે બાબતથી શિક્ષકો પણ વ્યથિત હતા. તેમણે ગ્રામ્ય કક્ષાના દર્દીને હોસ્પિટલમાં બેડ મળે ત્યાં સુધી ઓકિસજન મળી રહે અને તેમનો જીવ બચી તે માટે દિલ્હીથી ૨ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદ્યાં છે. આ બંને કોન્સન્ટ્રેટર્સ વિનામૂલ્યે આસપાસના ગામમાં દર્દીઓને આપીને દર્દીને ઓકિસજનની જરૂરિયાત પૂરી પાડી રહ્યા છે.
બીજી બાજુ હોસ્પિટલ સુધી પહોંચે કે ત્યાં પહોંચ્યા પછી બેડ મળે તો દર્દીની તાત્કાલિક સારવાર થઇ શકે છે.
આ વચ્ચેના સમયમાં ૨ થી ૩ દિવસ સુધી દર્દીને ઓક્સિજન મળી રહે અને તેનો જીવ બચી જાય એટલા માટે ૧૩ શાળાના શિક્ષકોએ તેમની અંગત રકમમાંથી ૨ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદ્યાં છે. શિક્ષકોએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી અત્યાર સુધીમાં ઘણા ગંભીર દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આપી જીવ બચાવ્યા છે. શિક્ષકો સમાજ માટે સાચાં અર્થમાં સેવકો સાબિત થયા છે.
