કેવડિયા: ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં ૧૮૦૦ મિલિયન ક્યુબિક મીટર પાણી છે ત્યારે નર્મદા કેનાલ ઝીરો પોઈન્ટ કે જ્યાંથી કચ્છ સુધી પાણી જાય છે ત્યાંથી ૮ હજારમાંથી ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવાઇ છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાતા અખાત્રીજના પૂર્વ દિનથી પાણી ચાલુ કરવામાં આવતા ખેડૂતોને અખાત્રીજના દિવસથી ખેતરમાં પાણી મળતું થઈ ગયું છે.
આ વર્ષે નર્મદા ડેમમાં ભરપૂર પાણી છે જેના કારણે સરકારે નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરતા કેવડિયા આવેલા મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટના નં-૫ ગેટમાંથી નર્મદાનું ૧૫ હજાર ક્યુસેક પાણી છોડાતા ભર ઉનાળામાં નર્મદાનું ભરપૂર જળ ઉછાળા મારતું વહી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટથી પાણી જે છોડાય જે કચ્છ સુધી પહોંચે છે. મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ એટલે કે નર્મદા ડેમનું સ્ટોરેજ પાણી છે જેને કેવડિયા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વહન કરવા માટેનો મુખ્ય દ્વાર કહી શકાય.
ઉલ્લેખનીય સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે ૧૮૦૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૮૦૦૦ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કેનાલમાંથી અગાઉ ૮ હજાર ક્યુસેક પાણી છોડાતું હતું જે ડબલ કરીને અત્યારે ૧૫,૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેમાં હજુ વધારો કરવામાં આવે એવા એંધાણ છે. બીજી તરફ નર્મદા નદીના મુખ્ય વહેણને જીવંત રાખવા માટે ૬૨૭ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.
નર્મદા છલોછલ ભરાઇ એની પણ તૈયારીઓ શરૂ
ઉનાળુ પાક માટે રાજ્યભરના ખેડૂતોને પાણીની ખૂબ જરૂરત છે. પહેલા ૮૮૦૦ ક્યુસેક પાણી બાદ બીજે દિવસે ૧૫૦૦૦ ક્યુસેક પાણી છોડાયું અને જો માંગ વધશે તો હજુ ૨૦ થી ૨૫ હજાર ક્યુસેક પાણી છોડવાની ગણતરી છે. સારા ચોમાસાની હવામાન વિભાગની વાતને લઈ નર્મદા બંધ છલોછલ ભરાઈ એની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નર્મદા કેનાલમાંથી પાણી લઇ લિંક તળાવો ભરાશે
ગુજરાત સરકાર નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખા ત્રીજથી ૩૦ મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પાડશે. ઉનાળો ચાલુ થાય ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઉભી થતા આ નિર્ણય લેવાયો છે.