નારાયણ સરોવરઃ પાકિસ્તાનની એજન્સીઓ કચ્છ સરહદે ભારતીય એજન્સીઓની મૂવમેન્ટ પર નજર રાખવા સતત કામ કરી રહી છે. ગત વર્ષે સિરક્રીક નજદીક વોચ ટાવરનું કામ શરૂ કર્યું હતું, એનું કામ પૂરું થતાં વોચ ટાવર પર રાત-દિવસ પાકિસ્તાનના જવાનો દૂરબીનની મદદની સિરક્રીક પર નજર રાખી રહ્યા છે. સિરક્રીક પર પાકિસ્તાનની દાનત ખરાબ છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટે સિરક્રીકને ભારતો હિસ્સો માન્યો છે, પણ પાકિસ્તાન હજુ પણ પોતાનો માનીને ચાલી રહ્યું છે અને સતત ક્રિક પર નજર રહે એ માટે ટાવરો અને નાના-મોટા કેમ્પો બનાવી લીધા છે.
સિરક્રીક નજદીક જે ટાવરનું પાકિસ્તાને નિર્માણ કર્યું છે એની નીચે બે પાકી બેરેક બનાવી છે, જેમાં જવાનો રાત-દિવસ રહી શકે છે, જેથી ટાવરથી સિરક્રીક પર વોચ પણ રાખી શકાય. પાકિસ્તાની એજન્સીઓ પોતાના જવાનો માટે બેરક બનાવી છે, જેથી ટાવર પર સતત જવાનો રહેશે. બેરેકમાં સોલર લાઇટો અને અન્ય સુવિધાઓ જવાનો માટે મૂકવામાં આવી છે. ટાવર પર રહેતા જવાનો માટે આવનજાવન માટે નાની બોટો સહિતની સુવિધા રાખવામાં આવી છે. સિરક્રીક નજદીક જયાં ટાવર બનાવાયો છે ત્યાં ચારે દિશામાં નાના-મોટા નાળાઓ પર જવાનોને રૂટિન ફરજ આપવામાં આવે છે, જેથી જવાનો પોતાને ફિટ રાખી શકે. નોંધનીય છે કે અગાઉ કચ્છ બોર્ડર પર પાકિસ્તાન ભાગ્યે જ માળખાગત સુવિધાઓ વિકસાવવા રસ લેતુ હતું. પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી પાકિસ્તાને કચ્છની બોર્ડર પર પણ પોતાના વિસ્તારમાં માળખાગત અને લશ્કરી સુવિધાઓમાં ખુબ જ વધારો કર્યો છે. જેમાં ચોકીઓ, માર્ગો અને હેલીપેડ સુધા બનાવવામાં આવ્યા છે.