સુરતઃ કોરોના મહામારી દરમિયાન સુરતમાં વૃદ્ધ માતા-પિતાને લઈ જવા તબીબ દીકરાએ ચાર્ટર્ડ પ્લેન મોકલાવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તબિબ પુત્રએ સાયપ્રસથી માતા-પિતાને લેવા માટે ચાર્ટર્ડ પ્લેન મોકલાવ્યું હતું. કામરેજના સેવણી ગામે રહેતા વૃદ્ધ માતા-પિતાને સાયપ્રસ રહેતા તબીબ દીકરાએ કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈ પ્લેન મોકલાવ્યું હતું. ગત ૧૦ તારીખના રોજ ૧૯ સીટનું પ્લેન ૨ વ્યક્તિને લેવા સુરત એરપોર્ટ આવ્યું હતું અને ૧ કલાકમાં ફરી સાયપ્રસ જવા રવાના થયું હતું.
સુરતમાં વધી રહેલા કોરોનાના કેસમાં માતા-પિતાની ચિંતા સતાવતા સાયપ્રસમાં રહેતા ગુજરાતી ડોક્ટરે તેના માતા-પિતાના ત્યાં તેડાવવા માટે સ્પેશિયલ ફ્લાઈટ સુરત મોકલી હતી. ગલ્ફ સ્ટ્રીમ-૪ કક્ષાનું લક્ઝુરિયસ વિમાન સુરત એરપોર્ટ પર આવેલું જોઈ સ્ટાફ અને પેસેન્જરમાં કુતુહુલ જોવા મળ્યું હતું.
મિડલ ઈસ્ટના સાયપ્રસમાં રહેતાં ગુજરાતી ડોક્ટરે પોતાના માતા-પિતાને ત્યાં બોલાવવા માટે સ્પેશિયલ ફ્લાઈટ મોકલી હોવાનો કિસ્સો સોમવારે સુરતમાં નોંધાયો હતો. કોરોનાના વધતાં કહેર વચ્ચે ઘરડા માતા-પિતા તેની ઝપટમાં નહીં આવે તે હેતુથી ગુજરાતી ડોક્ટરે સાયપ્રસના લનાર્કા ઈન્ટરનેશનલ એરપોર્ટથી એક સ્પેશિયલ ચાર્ટડ ફ્લાઈટ સુરત મોકલી હતી.
જે સુરત એરપોર્ટ પર આવીને રણછોડ પટેલ અને સવિતા પટેલને લઈને પરત લનાર્કા એરપોર્ટ જવા માટે ઉપડી ગઈ હતી. સ્પેશિયલ ફ્લાઈટ મોકલનાર ગુજરાતી ડોક્ટરની માહિતી એરપોર્ટ ખાતેથી મળી શકી હતી નહીં.