સુરતઃ કોરોનાની બીજી લહેરમાં સુરતમાં MISC (મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચાઈલ્ડ)ના ૨૦૦થી વધુ કેસ દેખાઈ ચૂક્યાં છે. આ રોગને લઈ લોકોમાં જાગૃતિનો ભારે અભાવ છે. જેને પગલે યોગ્ય સમયે સારવાર નહીં મળે તો પીડિત બાળકો પર મોતનું જોખમ રહેલું છે. તબીબોના કહેવા મુજબ બાળકોમાં કોરોનાના માઈલ્ડ કે મેજર લક્ષણો દેખાય તો માતા-પિતાને તેની ખબર પડી શકે છે. પરંતુ ઘણા કેસમાં બાળકોને કોરોના થયો છે, તેની ખબર પડતી નથી અને છથી આઠ અઠવાડિયા બાદ એન્ટિબોડી ડેવલપ થાય છે. તે સમયે રોગપ્રતિકારક શક્તિ સાયક્લોન અર્થાત વાવાઝોડા સ્વરૂપમાં પ્રતિકાર કરવા ઊભી થાય છે. જે પીડિતનાં અંગોને અસર કરે છે. કેટલાક કેસમાં તાવ આવવો, ઝાડા-ઊલટી, આંખ અને હોઠ લાલ થવા તેમજ શરીર પર સોજો આવે છે અને ગંભીર પ્રકારે હૃદયની કામ કરવાની ક્ષમતા ઓછી કરે છે.
લોહીના શ્વેતકણ વધી જાય છે અને પ્લેટલેટ (ત્રાક-કણ) ઓછા થઈ જાય છે. ઘણા કેસમાં લોહીમાં ડી-ડાયમર (લોહી જાડું થવું) વધી જાય છે. યોગ્ય સમયે સારવાર નહીં મળે તો હૃદયની કામ કરવાની ક્ષમતા ઘટી જવા સાથે બ્લડપ્રેશર ડાઉન થઈ જાય છે. જેને લીધે મોતનું જોખમ વધી જાય છે.