હત્યાના ઈરાદે બોમ્બથી ઉડાવવા નીકળેલો યુવક પકડાયો : ૪ બોમ્બ ડિફ્યુઝ કરાયા

Wednesday 19th May 2021 08:02 EDT
 

અમદાવાદઃ અમદાવાદમાં દેશી બોમ્બ સાથે પકડાયેલા યુવકની પોલીસે સઘન પુછપરછ કરતા આ યુવક મોટી ઘટનાને અંજામ આપવાનો હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે આરોપી યુવકને ઝડપી તેના ઇરાદોઓ  નાકામ કર્યા હતા.
જામનગરના ચકચારી એડવોકેટ કિરીટ જોષી મર્ડર કેસમાં મદદગારીના આરોપી એવા અજયપાલસિંહ રાજપૂતની હત્યા કરવાનું નક્કી કરી દેશી બોમ્બ બનાવી નીકળેલા યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ તેની પાસેના ચાર જીવતા બોમ્બ ડિફ્યુઝ કરાવ્યા હતાં.
તપાસ દરમિયાન આરોપી એમ.ડી. ડ્રગનો બંધાણી હોવાનું તથા વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ વખતે કુમળીવયમાં જ તે બોમ્બ બનાવતા શીખ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
પોલીસ જવાનો શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે સાંજે આશરે પાંચ વાગ્યાના સુમારે તેમને બાતમી મળી હતી કે, વાદળી રંગની ટી-શર્ટ અને જિન્સ પહેરેલો શખ્સ દેશી બનાવટના જીવતા બોમ્બ લઈ દાણીલીમડા રિવરફ્રન્ટથી એલિસબ્રિજ નીચેના રિવરફ્રન્ટ તરફ જઈ રહ્યો છે. પોલીસ રિવરફ્રન્ટ ખાતે પહોંચી જઈ મળેલા વર્ણનવાળા શખ્સની શોધખોળ આદરી હતી. દરમિયાન સરદારબ્રિજ નીચે રિવરફ્રન્ટ ફૂટપાથ ઉપર શખ્સ દેખાતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો.


comments powered by Disqus