જૂનાગઢઃ હાથને સેનિટાઇઝ કરવા જેવી ક્ષુલ્લક બાબતે પત્ની સાથે ઝગડો કરી તેની ગળું દબાવી દીધું હતું. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને એક ઇજનેરી કોલેજમાં ભણાવતા પ્રાધ્યાપકને પત્નીએ કહ્યું, હાથ ધોઇ સેનેટાઇઝ કરીને પુત્રીને અડજો. આથી તેણે પુત્રીને મારવા દોડી પત્નીનું ગળું દબાવ્યું હતું. પત્નીએ પોતાને છોડાવી ૧૮૧ ને ફોન કર્યો હતો. અને બાદમાં પતિ તેમજ સાસરિયાં સામે મેણાંટોણાં મારી મકાન લેવા ૩૦ લાખ માંગ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
ઝાંઝરડા રોડ પર શ્રી પેલેસમાં રહેતી દૃષ્ટિબેન રવિયાએ પોતાના પતિ કપિલ, સસરા ,સાસુ ,નણંદ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, લગ્ન બાદ પોતાને પુત્રીનો જન્મ થતાં પતિ સહિતનાએ મેણાંટોણાં મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં મકાન લેવા માટે ૩૦ લાખનો કરિયાવર માંગ્યો હતો. એ વખતે પતિ સુરેન્દ્રનગરની ઇજનેરી કોલેજમાં પ્રોફેસર હતા. બાદમાં તેઓ જૂનાગઢ નજીકની એક ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપક છે. દરમિયાન ગત તા. ૧૦ મે ના રોજ પતિ ઘેર આવતાં દૃષ્ટિબેને કહ્યું, હમણાં કોરોના ચાલે છે તો હાથ ધોઇ સેનેટાઇઝ કરીને પુત્રીને અડજો. આથી તે ગિન્નાયો હતો. અને પુત્રીને મારવા દોડતાં દૃષ્ટિબેને વચ્ચે પડતાં તેને ઢીકાપાટુ મારી ગળું દબાવ્યું હતું. દૃષ્ટિબેને પોતાને માંડ છોડાવી ઘરનો દરવાજો ખોલી રાડારાડ કરતાં તે ભાગી ગયો હતો. બાદમાં દૃષ્ટિબેને પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી.