વડોદરાઃ હરણી રોડ સવાદ કવાટર્સ સ્થિતિ પાર્વતી નગરની રૂમ નં. ૧૬૧માંથી માતા-પુત્રીના મૃતદેહો મળી આવ્યા હતા. ડિકમ્પોઝ થયેલા મૃતદેહો દુર્ગંધ મારતા હોવાથી પડોશીઓએ ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. માતા પુત્રી કોરોનાનો ભોગ બન્યા હોવાની શંકા સેવાઇ રહી છે.
પાર્વતી નગરમાં તારાબેન બાળાસાહેબ પવાર (ઉ.વ.૭૪) અને પુત્રી અરૂણા (ઉ.વ. ૫૦) રહેતા હતા. માતા પુત્રીને આસપાસના પડોશીઓ સાથે પણ બોલવાનો વ્યવહાર ના હતો. તેઓ સવારે ઘર આંગણામાં સફાઇ કરી તેટલી વારજ દરવાજો ખુલ્લો રાખતા હતા. ત્યારબાદ માતા પુત્રી ઘરમાંજ રહેતા હતા.
વિતેલા એક સપ્તાહથી તેમના મકાનનો દરવાજો પણ ખુલ્યો ના હતો. જયારે રૂમમાંથી ખુબજ દુર્ગંધ આવતી હતી. આથી પડોશીઓએ ૧૦૮ને પ્રથમ ફોન કર્યો હતો. તેઓએ જોતા તેમને પોલીસને જાણ કરવા જણાવ્યું હતુ. આથી વારસીયા પોલીસને જાણ કરાતાં પોલીસે તપાસ કરતાં માતા પુત્રીના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. તેમના મૃતદેહની આસપાસથી વિટામીન સીની ગોળીઓ અને આયુર્વેદીક દવાઓ પણ મળી હતી.
એફએસએલના નિષ્ણાંતોએ ઘરની તપાસ હાથ ધરી હતી.જોકે શંકાસ્પદ કે ગુનાહિત કઇ મળી આવ્યુ નહી હોવાનું જાણવા મળે છે. જયારે માતા પુત્રી કોરોનાનો ભોગ બન્યા હોવાની શંકા વ્યકત કરાઇ રહી છે. પડોશીઓના જણાવ્યા મુજબ માતા પુત્રીને કોરોના થયો હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી છે. તેઓ હોમ કવોરન્ટાઇન હતા કે કેમ ? તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. માતા પુત્રીને કોરોના હતો કે કેમ ? તેની વિગતો જાણવા માટે મૃતદેહોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમના પોસ્ટમોર્ટમની વિધી રવિવારે કરવામાં આવશે તેવુ વારસીયા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠીયાએ જણાવ્યુ હતુ.
