ગાંધીનગર: ગુજરાતમાં મે મહિનાનાં આરંભ સાખે ૧૮થી ૪૪ વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોના રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. આ રસી કેન્દ્ર સરકાર પાસેથી મેળવીને રાજ્ય સરકાર ફ્રીમાં આપી રહી છે પરંતુ સમગ્ર રાજ્યમાં ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે એમ છે. ગુજરાત સરકારે કોવિશિલ્ડના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે પરંતુ તે મુજબ સપ્લાઇ મે મહિનામાં આવે તેવી સંભાવના ઘણી ઓછી છે.
એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતે સૌથી વધારે સંક્રમિત સાત મહાનગરો તેમજ ભરૂચ, મહેસાણા, કચ્છ જિલ્લામાં રજિસ્ટ્રેશનને આધારે સ્લોટ ફાળવીને મર્યાદિત સંખ્યામાં ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરી છે. કુલ ૩,૫૩,૨૯૩ લોકોને રસી અપાઇ છે. . સિરમ ઇન્ટિટ્યૂટને ૨.૫૦ કરોડ ડોઝ માટે ઓર્ડર આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે પરંતુ હાલ આ કંપની પાસે કેન્દ્ર સરકાર ઉપરાંત અન્ય રાજ્યો પણ ઓર્ડર છે. આ જ રીતે ભારત બાયોટેક નિર્મિત કોવેક્શિનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર અપાયોછે એની ઉપલબ્ધતા પણ વિલંબમાં છે. એટલે હાલ કેન્દ્ર સરકાર દ્વારા આઠ રાજ્યોને અપાતા ક્વોટમાં ગુજરાતને દર ચાર દિવસે મળતી વેક્સિનમાંથી ૧૦ મહાનગગરો, જિલ્લામાં રસી અપાઇ રહી છે એ પ્રક્રિયા મેના અંત સુધી ચાલુ રહેશે. એ દરમિયાન બંને કંપનીઓ પાસેથી જેમ જેમ સ્ટોક મળતો થશે એના આધારે અન્ય જિલ્લાઓમાં રસીકરણની કામગીરી ગોઠવાશે.