૨૩ વર્ષ જૂની તારાજી કચ્છીઓની આંખો સામે તરી આવી

Wednesday 19th May 2021 08:10 EDT
 
 

ગાંધીધામ : ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે ત્રાટકેલા 'તૌકતે' વાવઝોડાએ ખાના-ખરાબી સર્જી ૨૩ વર્ષ પહેલા કંડલાના વિનાશક વાવાઝોડાની યાદ અપાવી હતી. વર્ષ ૧૯૯૮ની ૯મી જૂને કંડલામાં ત્રાટકેલા ૧૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડામાં સત્તાવાર ૧૪૮૫ લોકો દરિયામાં તણાયા હતા અને ૧૨૨૬ લોકો લાપત્તા બન્યા હતા. જ્યારે ૩૦,૦૦૦થી વધુ લોકો ઘર વિહોણા બન્યા હતા અને અંદાજે રૂ.૧૫૦૦ કરોડનું નુકશાન પહોંચ્યું હતુ.
તે સમયે કંડલામાં રહેતા પાટડી તાલુકાનાં હિંમતપુરા ગામના એક જ પરિવારનાં ૧૬ સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા અને ગામનાં કુલ ૨૯ લોકો કાળનો કોળીયો બની ગયા હતા. એ વાવાઝોડાની થપાટનો ભોગ બનેલા ચતુરભાઇ તેમના બે બાળકોની લાશ ખભે લઇને ૮ કલાક સુધી પાણીમાં તરતા રહ્યા હતા. તેમણે આ સમયને યાદ કરતા કહ્યુ કે, એ સમયે હું મારી પત્ની , બે દિકરા તથા દિકરીને લઇને મજૂરી કામ અર્થે કંડલા બંદરે ગયો હતો ત્યારે દરિયાઇ મોજાની ૫૦ ફૂટની થપાટ આવતા ઘરમાં ૧૦ ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. અમે પરિવારનાં પાંચેય જણા મકાનનાં સિમેન્ટનાં પતરા પર ચઢી ગયા હતા. ત્યારબાદ દરિયાઇ મોજાની બે ક્રૂર થપાટમાં અમે અમારી સાથેનાં અનેક લોકોને દરિયામાં સ્વાહા થતા નજરે જોયા હતા.
 ત્યારબાદ અમારૂ આખું ઘર પાયાથી જ ભોંયભેગુ થતા પત્નિ અને ૨ વર્ષની દિકરીને મારી નજર સામેં જ દરિયાઇ મોજામાં પળવારમાં અદ્રશ્ય થઇ ગઇ હતી. જ્યારે એક ૬ વર્ષનો અને એક ૪ વર્ષનો મારા બંને બાળકોને હાથમાં લઇ પાણીમાં તરતા સલામત સ્થળે હું જતો ત્યારે જ બે માળનાં મકાનની દિવાલ મારા બાળકો પર પડતા તે મોતને ભેટ્યા હતા.
ત્યારબાદ હું મારા બન્ને બાળકોની લાશને આઠ કલાક હાથમાં લઇને તરતો રહ્યોં ત્યારે લાકડું હાથમાં આવી જતા હું કિનારે આવી ગયો અને આઠ દિવસે હું ભાનમાં આવ્યો હતો. અમારા પરિવારના કુલ ૨૩ સભ્યો તે સમયે કંડલા મજૂરી કામ અર્થે ગયા હતા. આ વિનાશક વાવાઝોડામાં મારા બે દિકરા, ભાઈઓનો પરિવાર મળી કુલ ૧૬ સભ્યો દરિયાઇ મોજામાં જીવતા તણાઇ ગયા હતા. આ દરિયાઇ મોજામાં મોતને ભેટેલા ૧૬ સભ્યોમાંથી માત્ર ૪ જણાની લાશ જ અમને મળી શકી હતી. ૨૩ વર્ષ પહેલા કંડલા પર આવેલા વાવાઝોડાએ સર્જેલી તારાજીમાં ઘણા પરિવારો બરબાદ થયા હતા.


comments powered by Disqus