ભુજ: સુખપરના સ્મશાનગૃહમાં છેલ્લા કેટલાક દિવસોથી ૪૫ થી વધુ મૃતદેહોની અંતિમવિધિ ગામની દસ મહિલાઓએ કરી છે. પડીકું વળેલા મૃતદેહોને જોઇને મજબૂત હૃદયના પુરુષોના હાથ નબળા પડી જાય ત્યારે આ મહિલાઓ સ્મશાનમાં જઈને આ પડકારભર્યું કાર્ય પાર પાડી રહી છે.
૨૪ વર્ષીય હિના વેલાણીએ પોતાના પિતા સાથે આ કામમાં મદદરૂપ થવાની સૌ પ્રથમ પહેલ કરી અને પછી અન્ય નવ મહિલાઓ આ કામગીરીમાં જોડાઈ ગઈ. અંતિમક્રિયા દરમિયાન ગંગાજળ, તુલસી માળા, ઘી, છાણા ની વ્યવસ્થા કરવા જેવી કામગીરી આ બહેનો કરી રહી છે. કચ્છના ૧૯૭૧ ના ભારત પાક યુદ્ધ વચ્ચે માધાપરની વીરાંગનાઓ વાયુસેનાની હવાઇપટ્ટીનું રાતોરાત સમારકામ કર્યું હતું એ જ પટેલ ચોવીસીના સુખપર ગામની કર્મયોગી મહિલાઓ કોરોના સામેના યુદ્ધ કાળમાં ખુલ્લા સ્મશાનમાં, તાપમાં, પીપીઇ કિટ પહેરીને મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરે છે.