અમદાવાદ: રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે વેપારીઓ જીએસટીની ચોરી કરતા ઝડપાયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. તાજેતરમાં વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કરચોરીનું પ્રમાણ અમદાવાદ, સુરતમાં વધુ છે. ઉપરાંત ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં પણ બોગસ બિલિંગ કરતા વેપારીઓ પકડાયા છે.
અમદાવાદની પરેશ ચૌહાણ નામની વ્યક્તિએ જ ૩૬ જુદી જુદી પેઢીઓ બનાવી રૂ. ૯૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. અમદાવાદ અને સુરતમાં જ ૩૦૯૪ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે, જેમાં ૨૫૦ લોકો અને ૧૯૬ જેટલી પેઢીઓનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગરમાંથી ૧૦૪ કરદાતા પાસેથી રૂ. ૪૩૩ કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું છે. રાજકોટમાંથી રૂ. ૩૩૩ કરોડ, મોરબીમાંથી રૂ. ૧૨૬ કરોડ અને ગાંધીનગરમાંથી રૂ. ૧૦૪ કરોડની કરચોરી ઝડપી હતી.
