આણંદપર (યક્ષ): આધુનિક ટેકનોલોજીની મદદથી મોટી ઉંમરે પણ નિઃસંતાન દંપતીઓ બાળક મેળવી શકે છે. આવા અનેક કિસ્સા આપણે જોયા કે સાંભળ્યા હશે પરંતુ ૭૦ વર્ષની વયે દંપતીને બાળક થયું હોય તેવું કચ્છના ઈતિહાસમાં પ્રથમવાર નોંધાયું છે. રાપર તાલુકાના મોરા ગામના ૭૦ વર્ષના વૃદ્ધાને ટેસ્ટ ટયુબ દ્વારા ૪૫ વર્ષે તંદુરસ્ત પુત્રરત્ન જન્મ્યો છે.
૭૦ વર્ષના જીવુંબેન રબારી અને ૭૫ વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને ૪૫ વર્ષથી વધુ સમય વિતી ગયા છતાં બાળક ન થતાં શેરમાટીની ખોટ સાલતી હતી. અંતે આ વૃદ્ધ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેકનો સંપર્ક કર્યો હતો. મોટી ઉંમર થઈ જતા આ દંપતીને બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ
આપી હતી . પરંતુ દંપતીએ તબીબને પ્રયાસ કરવા જણાવ્યું હતું. જેના પગલે કોરોના વચ્ચે જીવુંબેનની ટેસ્ટ ટયુબ બેબીની ટ્રીટમેન્ટ ચાલુ કરાઈ હતી.
આ ટ્રીટમેન્ટના અંતે જીવુંબેન રબારીએ પુત્રને જન્મ
આપ્યો હતો.