મહેસાણા: મૂળે મહેસાણા જિલ્લાના કડી શહેરના વતની એનઆરઆઈ ભૂપેશભાઈ પરીખ અને તેમના પત્ની શ્રીમતી કુમુદબહેનના હસ્તે ગણપત યુનિવર્સિટી - ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કોલેજ સ્થાપવા માટે રૂ. પાંચ કરોડ જેવી માતબર રકમનું દાન મળ્યું છે જે થકી કુમુદ એન્ડ ભૂપેશ ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની સ્થાપના ગણપત યુનિવર્સિટી દ્વારા થશે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સન્ડ ટેકનોલોજીવાળા અને સંપૂર્ણ સુવિધાસભર ક્લાસરૂમ તેમજ ઈમ્પોર્ટેડ સાધનોથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે. આ નર્સિંગ કોલેજ સમગ્ર રાજ્યમાં સ્થપાયેલી અન્ય નર્સિંગ કોલેજ કરતા ભિન્ન અને શ્રેષ્ઠતમ હશે જેનો લાભ ગુજરાત રાજ્ય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે. ભૂપેશ પરીખ અને તેમના પત્ની શ્રીમતી કુમુદબહેન મહેસાણા જિલ્લાના
કડી શહેરના વતની છે અને છેલ્લા છ દાયકાથી અમેરિકામાં વસે છે.