જૂનાગઢ: માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમમાં દસ વર્ષનો એક બાળક ખેતરમાં રમતો હતો. ત્યારે એક અજગરે તેનો પગ પકડી તેનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકે હિંમતભેર અજગરના મો પર મુક્કા મારી પોતાનો પગ તેના મોઢામાંથી છોડાવી લીધો હતો. બાળકને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયો હતો. આ અંગે જાણ થતા વનતંત્રએ અજગરનું તાકીદે રેસ્ક્યુ કર્યું હતું.
માળિયા તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન કરમટાનો દસ વર્ષનો પુત્ર આશિષ પોતાનું ઘર અને ખેતર બંને એક જ હોય જેથી સવારમાં ઊઠીને પોતાના ખેતરમાં રમતો હતો. ત્યાં અચાનક જ શિકારની શોધમાં ચડી આવેલા ૧૪ ફુટના અજગરે આશિષના શિકારનો પ્રયાસ કર્યો હતો.
અજગરે આશિષને પગેથી પકડી લીધો હતો. શિકાર કરવાનો પ્રયાસ કરે તે પહેલા જ આશીષે પણ અજગરના મોં પર મુક્કા મારી તેનો સામનો કર્યો હતો. અને પગ અજગરના મુખમાંથી છોડાવ્યો હતો.