પત્નીનું ક્રુરતાપૂર્વક ખૂન કરી એનું શબ શેરીમાં ફેંકી દેવાના નરાધમ કૃત્ય માટે પતિને આજીવન જેલસજા

Wednesday 20th October 2021 10:11 EDT
 
 

સોમવાર તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ લેસ્ટર ક્રાઉન કોર્ટે જાડી ચામડીના હિન્દુ પંજાબી કશીષ અગ્રવાલને એની "દયાળુ અને સૌમ્ય" પત્ની ગીતીકા (૨૯)ને વગર વાંકે દેહાંત દંડ આપવાના નરાધમ કૃત્ય માટે  આજીવન જેલના સળિયા પાછળ રહેવાની સજા ફરમાવી. ચૂકાદો આપતા પહેલા કોર્ટમાં જજે કેસની હ્દય દ્રાવક બીના રજુ કરી આરોપીની ક્રૂરતાનો પર્દાફાશ કર્યો જેની વિગત અત્રે પ્રસ્તુત : 

બુધવાર ૩ માર્ચની રાતના ઠંડા કલેજે ખૂની પતિએ એની પત્નીના ગળા પર ધારદાર ચપ્પુથી હુમલો કરી લોહી નીંગળતી હાલતમાં જમીન પર છોડી દેવાની ક્રૂરતા આચરી. ત્યારબાદ પત્નીના દેહને પોતાના જ નિવાસ વિન્ટર સેલ્સ રોડ, થર્નબી લોજ, લેસ્ટર ખાતે પ્લાસ્ટીક શીટમાં વીંટાળી દઇ એને ઘસડીને ગેરેજ સુધી લઇ ગયો. તેણીને એની જ મર્સીડીસ કારના બૂટમાં નાંખી રાતના અંધકારમાં સૂમસામ રહેવાસી વિસ્તાર અપીંગહામ ક્લોસ, ગુડવુડના ફૂટપાથ પર ફેંકી દેવાનું અધમ કૃત્ય આદર્યું. ત્યારબાદ તેણીના કુટુંબીજનોને ફોન કરી એ ગુમ થઇ હોવાનો દેખાવ કર્યો. અગાઉ કોર્ટ સુનાવણીમાં ૨૮ વર્ષના પતિ કશીષ અગ્રવાલને પત્ની ગીતીકાના ખૂન માટે દોષિત ઠેરવાયો હતો.

સોમવાર ૧૮ ઓક્ટોબરના આ કેસનો ચૂકાદો જાહેર કરતા કશીષ અગ્રવાલને ૨૦ વર્ષ અને ૬ મહિનાની જેલ સજા ફરમાવતા જજ ટીમોથી સ્પેન્સર ક્યુ.સી.એ જણાવ્યું કે, ખૂન કરવા સુધીની ધૃષ્ટતા આચરનાર "આશ્રિત આરોપી ખૂબ જ હલકું માનસ ધરાવનારો" હોવાનું સ્પષ્ટ થાય છે.
બે વીક પહેલા એણે ૫ માર્ચના ભારત જવાની ટિકિટ પણ "ભાગી જવાના માર્ગ" તરીકે બુક કરી લીધી હતી. લેસ્ટર કોર્ટે જણાવ્યું કે, ગીતીકા એના ફેમીલીના ટેક્સટાઇલ બીઝનેસમાં જ કામ કરતી હતી. રોજની જેમ જ હંમેશા સાંજના ૫.૩૦ વાગે ખુશી ખુશી ઘરમાં પ્રવેશી. છ વાગે એણે માતા સાથે વાત પણ કરી. ત્યારબાદ એની સખીને ૭ વાગે મીસ કોલ કર્યો. આરોપી એમેઝોન, કોલવીલમાં કામ કરતો હતો ત્યાંથી સાંજે ૭.૩૦ વાગે પોતાની પોલો કારમાં ઘરે આવ્યો. અને બે જ મિનિટમાં પત્નીની કાર ડ્રાઇવ વેમાંથી ખસેડી રીવર્સ કરી એનું બૂટ ગેરેજના ડોરની બાજુમાં આવે એ રીતે પાર્ક કરી લીધી. જજ સ્પેન્સરે અગ્રવાલને કહ્યું કે, ‘તેં એક જ કલાકમાં તારી પત્નીનું ખૂન કરી નાંખ્યું! તેં તારી પત્નીના ગળા અને છાતી ઉપર ઉપરાછાપરી ઘા કરી ઘાતકી અને દયાહીન કૃત્ય કર્યું. ૮ ઇંચના શેફ ચપ્પુના ઓછામાં ઓછા ૧૯ ઘા સહિત ધોરી નસ પર ઇજા ઉપરાંત છાતી પર ઊંડો ઘા કરી પત્નીને મોતના મુખમાં ધકેલી દીધી.
સમગ્ર સુનાવણી દરમિયાન આરોપી લાગણીહીન રહ્યો હોવાનું જણાવતા જજે અગ્રવાલને કહ્યું, તારી પત્નીને લોહીના ખાબોચિયામાં લોહી નીતરતી હાલતમાં તેં એને સાફ કરી તારા ગુના પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો. તેણી પોતાનો જીવ બચાવવા કેટલી પીડામાંથી પસાર થઇ હશે અને એના જીવનનો કરૂણ અંત આવ્યો હશે. હું દ્રઢપણે માનું છું કે, તેં એના જીવનને વરાળ જેમ ફૂંકી માર્યું. પોતાની ખુદની પત્નીને કુટિલતા પૂર્વક દેહાંત દંડ આપી દીધો. તેણીને એના પોતાના જ ઘરમાં જ મૃત્યુ દંડ આપી એના કુટુંબીજનો સમક્ષ એ ગુમ થઇ હોવાનો ડોળ કરી છેતરવાનો પ્રયાસ કર્યો. રાતના અંધકારમાં ૮.૧૪ વાગે એના દેહને ઘસડી પ્લાસ્ટીક શીટમાં વીંટાળી કાર બૂટમાં દોરી જવાની ધૃષ્ટતા કરી.


comments powered by Disqus