બહુચરાજી: તીર્થધામ બચુરાજીમાં શુક્રવારે દશેરા પર્વે બહુચર માતાજીને અતિમૂલ્યવાન નવલખો હાર પહેરાવાયો હતો. આ હારની અત્યારની કિંમત ૩૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. દર વર્ષે દશેરાએ નવલખો હાર પહેરાવી માતાજીની પાલખી યાત્રા બેચર ગામે શમીવૃક્ષ પૂજન માટે જતી હોય છે. પરંતુ કોરોના મહામારીને લઇ બીજા વર્ષે પણ પાલખીયાત્રા શમીવૃક્ષ પૂજન માટે લઇ જવાઇ ન હતી. જોકે, આ વર્ષે સ્થાનિક પોલીસના ગાર્ડ ઓફ ઓનર બાદ માતાજીની મંદિરમાં પરિક્રમા કરાવાઇ હતી.
• ૬ અતિમૂલ્યવાન નીલમ હારની શોભા વધારે છે.
• ૧૫૦થી વધુ ડાયમંડ હારમાં જડેલા છે. • ૨૩૮ વર્ષ પહેલા હાર અર્પણ કરાયો હતો • વડોદરાના રાજવીએ ભેટ આપ્યો હતો આ હાર
વડોદરાના રાજવી શ્રીમંત માનાજી રાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા. ત્યારે તેમને અસાધ્ય દર્દ હતું. જે માતાજીની બાધાથી મટી ગયા બાદ તેમની રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થતાં તેમણે અહીં સંવત ૧૮૩૯માં મંદિરનું નિર્માણ કરાવીને માતાજીને નવલખો હાર અર્પણ કર્યો હતો.