અમરેલી: બાબરામાં છેલ્લા ૧૨૨ વર્ષથી વધુના સમયથી પરંપરાગત રીતે રામ-રાવણ વચ્ચે જંગ છેડાય છે. પરંપરાગત રીતે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે. મુખ્ય બજારમાં આવેલ રામજી મંદિર ચોકમાં આવેલ મહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૨૨થી વધુ વર્ષોથી આયોજન કરવામાં આવે છે. જે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે.
આ યુદ્ધમાં રામ,રાવણ અને હનુમાનજી સહિતના ૨૫થી વધુ લોકોનું મંડળ પાત્રો છેલ્લા ઘણા સમયથી પેઢીદર પેઢી અહીં પાત્ર ભજવે છે. આ મંડળ દ્વારા નવરાત્રીના દરમિયાન તેમજ આ યુદ્ધમાં એકઠું કરેલું દાન પક્ષીનો ચણ માટે વાપરે છે. એક તરફથી વાનરસેના દ્વારા લોકોને ગદારૂપી પ્રસાદ આપવામાં આવે છે તો બીજીતરફ રાવણની આસુરી સેના દ્વારા લોકોને મારરૂપી પ્રસાદ આપવામાં આવે છે. રામ-રાવણ અને જાનકી સહીત હનુમાનજી બાબરા શહેરમાં નગરયાત્રા બાદ એક ચોક ખાતે ભેગા થાય છે અને અહીં લંકાપતિ રાવણને રામ ચોકમાં લલકારે છે અને
રામ-રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાય છે.
આખરે રામ તીરથી લંકાપતીનું શિરચ્છેદ કરે છે. બાબરામાં પરંપરાગત યોજાતા યુદ્ધમાં ભાગ લેવા રાવણ સહિતના પાત્રો છેલ્લા ૫ પેઢીઓથી ગરબી મંડળ સાથે સંકળાયેલા છે. માર રૂપી પ્રસાદ ગ્રહણ કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી.
