વડોદરા: શહેરના આજવા રોડ પર શાલીમાર ફ્લેટમાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતા સલાઉદ્દીન શેખ તથા દિલ્હીના મૌલાના ઉમર ગૌતમ અને તેના મળતિયાઓએ યુ.કે., અમેરિકા, યુ.એ.ઈ અને દુબઈથી હવાલા મારફતે અધધ.. ૮૦ કરોડ રૂપિયા મેળવ્યા હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. જેમાં એવી પણ માહિતી બહાર આવી છે કે, એકાઉન્ટમાં રૂ.૧૯ કરોડ ઉપરાંતની રકમ અને આંગડિયા મારફતે હવાલાથી રૂ. ૬૦ કરોડની હેરાફેરી કરવામાં આવી હતી. આરોપીઓ એડવાન્સ ખર્ચનો મેપ તૈયાર કરી ઈ-મેલ મારફતે વિદેશમાંથી ફંડની ઉઘરાણી કરતા હતા. આરોપી સલાઉદ્દીન અને તેના મળતિયા ગુનાઈત કાવતરાના ભાગરૂપે એડવાન્સ ખર્ચનો મેપ તૈયાર કરી ઈ-મેલ મારફતે વિદેશમાંથી ફંડની ઉઘરાણી કરતા હતા. જેમાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં દુબઈનો મુસ્તુફા સૈફ મુંબઈના કાઈડ જોહરને રૂપિયા મોકલતો હતો. જોહર મારફતે મુંબઈના ઈમરાન ઉર્ફે રાહુલ નામના શખસે હવાલાથી આશરે ૬૦ કરોડ મેળવ્યા હતા. આ શખસો કોણ છે? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. મોડીરાતે દોઢ વાગ્યે કોર્ટે સાત દિવસના રિમાન્ડ પર સોંપેલા સલાઉદ્દીન શેખ અને દિલ્હીના મૌલાના ઉમર ગૌતમની એસઆઈટીએ આકરી પુછપરછ શરૂ કરી છે.
સલાઉદ્દીન ત્રણ વાર સાઉદી અરેબિયા જઈ આવ્યો છે
સલાઉદ્દીન શેખ બે-ત્રણવાર સાઉદી અરેબિયા પણ જઈ આવ્યો છે. પોલીસ સાઉદી અરેબિયાના કનેક્શનની પણ માહિતી મેળવી રહી છે. યુએઈ, યુકે અને અમેરિકા ઉપરાંત સાઉદી અરેબિયામાંથી પણ મોટું ફંડ મળે છે. જેના માટે સલાઉદ્દીન સાઉદી જતો હતો કે કેમ? તે વિશે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સલાઉદ્દીન, ઉમરને રૂ.૧૫૦ કરોડથી વધુ વિદેશી ફન્ડિંગ મળ્યાની શંકા
ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ અને ફન્ડિંગના કેસની તપાસ કરી રહેલી યુપી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીન અને ઉમર ગૌતમને અમેરિકા અને બ્રિટનની અત્યાર ૧૫૦ કરોડથી વધુ ફંડ મળ્યું હતું હવે વડોદરા પોલીસ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ૫ વર્ષમાં ઉમરની સંસ્થાને ૩૦ કરોડથી વધુ રકમ વિદેશી સંસ્થાઓ પાસેથી મળ્યું હતું પણ તેની માત્ર ૬૦ ટકા રકમ ધર્માંતરણ માટે વપરાઇ હતી.
