વડોદરાઃ શહેરના સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં સંયુકત પરીવારમાં રહેતી ૩૬ વર્ષીય માતા અને ૬ વર્ષની માસુમ પુત્રીના મધરાતે થયેલાં અપમૃત્યુના પ્રકરણમાં અણધાર્યો વળાંક આવ્યો છે પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અને મકાનના ધાબા ઉપરથી મળી આવેલી ઉંદર મારવાની દવાની બોટલે હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
આઈસક્રીમમાં ઉંદર મારવાની દવા ખવડાવી હતી, જેના એક કલાક પછી પત્નીને અચાનક હીચકીઓ શરુ થતાં હત્યારો પતિ છાતી ઉપર ચઢી બેઠો હતો અને ગળુ દબાવીને હત્યા કરી હતી. આ દ્રશ્યો જોઈ રહેલી ૬ વર્ષની માસુમ બાળકી આગળ જતા મુખ્ય સાક્ષી બને તેવી દહેશતથી હત્યારા તેજસે હેવાનીયતની હદ વટાવીને મોતની આગોશમાં જઈ રહેલી માસુમ બાળકીના મો ઉપર તકીયો મુકીને અત્યંત ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. સમા પોલીસે હત્યારા તેજસ પટેલ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટીના સી ૪૮ નંબરના મકાનના ચોથા માળે બેડરુમમાં આ ઘટના બની હતી. ત્યાં સુધી તે પત્ની અને પુત્રીના મોતના સદમાના ભાવ સાથે પોલીસની સાથે રહેતો હતો. એફ.એસ.એલ.ની ટીમે આ મકાનના ટેરેસ ઉપર તપાસ કરી તો કાટમાળ નીચેથી ઉંદર મારવાની દવાની બોટલ મળતાં શંકા જન્મી હતી. બીજી તરફ પત્ની શોભનાબેન સાથેના ગૃહ કલેશ અને પ્રેમીકા સાથેના અફેરના કારણો પોલીસને મર્ડરની થીયરી તરફ લઈ ગયા હતા.