• વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૨ની તૈયારી અંગે પીએમ મોદીની દિલ્હીમાં સમીક્ષા: વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૨ માટે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે સમીક્ષા કરી હતી. કોવિડ ૧૯ને કારણે આ વર્ષે તેનું આયોજન થઈ શક્યું નથી. જો કે ઈસુના નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં કોરોના પ્રોટોકોલ સાથે મહાત્મા મંદીરમાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. આગામી વર્ષે ગુજરાત સરકાર ડિફેન્સ એક્સ્પો પણ યોજી રહી છે. જે વાઈબ્રન્ટ સમિટની સાથે હોઈ શકે છે. સિટની તૈયારીઓ સંદર્ભે ગાંધીનગર અને દિલ્હી વચ્ચે વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન પણ થયા હતા. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સિનિયર સેક્રેટરીઓ પણ જોડાયા હતા. વડા પ્રધાન મોદીએ કેટલાક સૂચનો પણ કર્યાનું કહેવાય છે. આ વખતની વાઈબ્રન્ટ સમિટ કોરોનાની વૈશ્વિક મહામારી બાદ તેના કારણે અર્થતંત્ર, નાગરિક જીવનમાં આવેલા બદલાવમાં યોજાવાની છે ત્યારે વડાપ્રધાને કોવિડ ૧૯ પછી પડકારોનો સામનો કરવા ઉદ્યોગોની ભૂમિકા અંગેની થીમ લાઈન સૂચવ્યાનું જાણવા મળ્યું છે.
• વાઇબ્રન્ટ સમિટ ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાશે: કોરોનાકાળ બાદ પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થઇ રહ્યું છે. ગુજરાત સરકાર આયોજનને આખરી ઓપ આપી રહી છે. ૧૦થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે માર્ગદર્શન આપ્યા બાદ હવે સમિટના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી છે, જેમાં વાઇબ્રન્ટ સમિટની થીમ, પાર્ટનર કન્ટ્રી, વિવિધ દેશોના મહાનુભાવોને આમંત્રણ આપવા સહિતની બાબતોને આખરી ઓપ અપાશે. કોરોના મહામારીને કારણે આ વખતે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે મુખ્ય આયોજન ઉપરાંત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરાય તેવી શક્યતા છે. જેથી જે દેશોના આમંત્રિતો તેમજ રોકાણકારો રૂબરૂ આવી ન શકે તો વીડિયો કોન્ફરન્સથી જોડાઇ શકશે. દર વખતે અધિકારીઓ આમંત્રણ આપવા અને વાયબ્રન્ટના પ્રચાર માટે વિવિધ દેશોના પ્રવાસે જતા હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે અનેક દેશોમાં નિયંત્રણ હોવાથી રૂબરૂ મોકલાય તેવી શક્યતા નથી.
• નીતિન પટેલની દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે ઓચિંતી મુલાકાત: ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અચાનક મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. આ મુલાકાતના ફોટોગ્રાફ્સમાં મોદી અને પટેલ બન્ને પ્રસન્ન મુખમુદ્રામાં જણાયા છે. આ મુલાકાત બાદ એવી ચર્ચા વહેતી થઇ છે કે નીતિન પટેલને નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર તરફથી કોઈ મહત્ત્વની જવાબદારી આપી શકે છે.
• પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે શક્તિસિંહ ગોહિલ-હાર્દિક પટેલનું નામ ટોચ પર: ગુજરાતમાં મૃતપ્રાય બનેલી કોંગ્રેસને પુન બેઠી કરવા કોને સુકાન સોંપવુ તે મામલે હાઇકમાન્ડે વિચારણા હાથ ધરી છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની નિમણૂંકને પ્રભારી ડો.રઘુ શર્માએ હાઇકમાન્ડ સાથે ચર્ચા હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે જો સિનિયર નેતાની પસંદગી કરાય તો શક્તિસિંહ ગોહિલનુ નામ ટોપ પર છે જયારે નવા- યુવા ચહેરાને તક અપાશે તો હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના છે. ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે હજુ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતાના પણ ઠેકાણાં નથી. આ સંજોગોમાં નવા પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્માએ વર્કિગ કમિટીની બેઠક બાદ હાઇકમાન્ડને ધારાસભ્યોએ આપેલા અભિપ્રાય સાથે એક રિપોર્ટ સોંપ્યો હતો. હવે હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોને બનાવવા તે અંગે આખરી નિર્ણય લેશે.
• ગાંધીનગરમાં ઇન્દિરા ગાંધી ભવન તોડી નરેન્દ્ર મોદી સંસ્થાન બનાવાશે: ગાંધીનગરના સેક્ટર-૧૭ ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલીત ઇન્દિરા ગાંધી તાલીમ ભવન આવેલું છે. પાંચ દાયકા જુના આ ભવનને તોડી ત્યાં રાષ્ટ્રીયકક્ષાનું દેશનું પ્રથમ પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે. તાજેતરમાં મળેલી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં આ તાલીમ કેન્દ્રનું નામ 'નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંસ્થાન' આપવામાં આવ્યું છે. એટલુ જ નહીં, અમિત શાહના લોકસભા વિસ્તારમાં આ ભવન આવ્યું હોવાને કારણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ડીપીઆર કેન્દ્રીય ગૃહમંત્રીને મોકલી આપવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં પરિષદના હોદ્દેદારો દિલ્હી ખાતે આ પ્રોજેક્ટની બાબતે વડાપ્રધાનને પણ મળશે. ત્રિસ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાનને મજબુત બનાવવા માટે વર્ષ ૧૯૮૩માં ગાંધીનગરના સેક્ટર-૧૭ ખાતે પંચાયતી તાલીમ ભવનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
• આખરે એક મહિનાના પછી મંત્રીઓના PA અને PSની નિમણૂક કરાઇ: રૂપાણી સરકારની વિદાયના એક મહિના બાદ આખરે નવા મંત્રીઓને પર્સનલ સેક્રેટરી, પર્સનલ આસિસ્ટન્ટ ફાળવાયા છે. જે રીતે નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરાઈ હતી તે જ પ્રમાણે પીએ-પીએસની નિમણૂંકોમાં ય આ થિયરી અમલી બનાવાઈ છે. ભ્રષ્ટ ઈમેજ ધરાવતાં પીએ-પીએસને જે વિભાગમાં મોકલી સ્વર્ણિમ સંકુલનો દરવાજો દેખાડી દેવાયો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે એકાદ મહિનો વિતવા આવ્યો છે. મંત્રીઓને અત્યાર સુધી પીએ-પીએસ ફાળવાયાં જ નહોતાં જેના કારણે તેમના કામકાજ પર અસર પહોંચી રહી હતી. છેલ્લાં એકાદ મહિનાથી રૂપાણી સરકારમાં કામ કરી ચૂકેલા કેટલાંય પીએ-પીએસે નવા મંત્રીઓની ચેમ્બરમાં અડિંગા જમાવ્યા હતા જેમ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ચેમ્બરમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના સ્ટાફે કબજો જમાવ્યો હતો. આ જ પ્રમાણે, શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ પણ પૂર્વ મંત્રીના પીએસની પસંદગી કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ વિધાનસભાનો સ્ટાફ પસંદ કર્યો હતો.
• ભાજપના ૧૦૦ ધારાસભ્યો નો રિપિટ!: ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે હિંમતનગરમાં યોજાયેલા પેજ સમિતિ સંદર્ભના કાર્યકર્તા સંમેલનમાં જણાવ્યું હતું કે ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ ધારાસભ્યો નવા હશે. આ મુદ્દે પાટીલે કહ્યું કે હાલ જે બેઠકો ભાજપ પાસે નથી તેવી ૭૦, બીજી મેળવીને કુલ ઓછામાં ઓછાં સો ચહેરાં તો નવા હશે. હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સામે સંકેત કરીને કહ્યું કે તેઓ પણ કાયમી નથી અને સાંસદ તરીકે હું પણ કાયમી નથી. પાટીલે કહ્યું કે મારા નિવેદનથી અહીં બેઠેલાં ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. તેમણે કાર્યકર્તાઓને સંબોધીને કહ્યું કે તમારે ટિકિટ માંગવી જ જોઇએ, આવતી ચૂંટણી માટે ટિકિટ માંગજો. પાટીલે ટિકિટ માંગવામાં સંકોચ અનુભવતા કાર્યકર્તાઓને બળ આપ્યું છે. ૬૦ પાર કરી ચૂકેલા ધારાસભ્યોને માથે છે, કારણ કે પાર્ટીએ સંગઠનમાં સાવ યુવાન ચહેરાંઓને સ્થાન આપ્યું છે અને હવે નવાં કાર્યકર્તાઓને ટિકિટ આપવાના મૂડ સાથે ૩૫ કરતાં વધુ વર્તમાન ધારાસભ્યોના પત્તા આ હેઠળ કપાય તેમ છે.
• મુખ્યમંત્રીએ અષ્ટમીના દિવસે અંબાજી અને ઉમિયા માતાજીનાં આશીર્વાદ લીધાં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આસો નવરાત્રિની અષ્મીએ અંબાજીમાં મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પહેલાવાર દર્શને આવેલા ભૂપેન્દ્ર પટેલે દર્શન વ્યવસ્થામાં વિપક્ષે ન પડે તેનું ધ્યાન રાખ્યું હતું. સીએમ સિક્યુરિટીએ ભક્તોને રોક્યા વિના દર્શન વ્યવસ્થા ચાલું રાખવવા તંત્રને જણાવ્યું હતું જેથી મંદિર ટ્રસ્ટના સ્ટાફે સરાહના કરી હતી. અંબાજી બાદ ઊંઝા ખાતે કુળદેવી ઉમિયા માતાજીનાં દર્શન કર્યા હતા.
• અમોલ શેઠ સામે છેતરપિંડીની ગુજરાતમાં નવ ફરિયાદ નોંધાઈ: અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠને બીજા ગુનામાં પણ સાબરમતી જેલમાં મોકલી અપાયા છે. અમોલ શેઠ સામે ક્રાઈમ બ્રાન્ચમાં વધુ ફરિયાદ થવાની સંભાવના જોવાઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચે અમોલ શેઠ સામે ગુજરાત અને દેશમાં થયેલી ફરિયાદોની વિગતો એકત્ર કરવા કવાયત શરૂ કરી છે. અમોલ શેઠ સામે ગુજરાતમાં જ છેતરપિંડીની નવ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ફરિયાદો નોંધાવનારાંઓમાં મકાઈ વેચનાર વેપારીઓ, ૯થી ૧૨ ટકાના વળતરની લાલચે પૈસા આપનાર રોકાણકારો ઉપરાંત કર્મચારી પણ સામેલ છે. અમોલ શેઠે કુલ ૩૦૦૦ કરોડનું ફૂલેકું ફેરવ્યાની વિગતો ખૂલી છે પણઅત્યાર સુધીમાં ફરિયાદોમાં છેતરપિંડીનો આંકડો માત્ર ૧૫ કરોડે પહોંચ્યો છે.
• ગુજરાતમાં પહેલીવાર બ્રેનડેડ વ્યક્તિના બન્ને હાથનું દાનઃ દશેરાનો પવિત્ર દિવસ સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના ૫૨ વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી. અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.છે.
• દશેરાએ શહેરમાં ૨૦થી ૨૫ કિલો સોનાનું વેચાણ થયું: શહેરમાં દશેરાના દિવસે સોના-ચાંદીના વેચાણમાં ૫૦ થી ૬૦ ટકા જેટલી ઘરાકી રહી હોવાનું અનુમાન છે. દશેરાએ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો મળીને ૨૦થી ૨૫ કિલો સોનાનું વેચાણ થયું હોવાનું વેપારીઓનું માનવું છે. કોરોના બાદ લોકો સૌથી વધારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા થયા છે, જેના કારણે ગોલ્ડ માર્કેટમાં ઘરાકી જોવા મળી હતી.
