નવીદિલ્હીઃ કોંગ્રેસમાં ગાંધી પરીવારના નેતૃત્વ સામે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગણગણાટ સામે લાલ આંખ કરતાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પાર્ટીના નેતાોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, હું જ કોંગ્રેસની પૂર્ણકાલીન પ્રમુખ છું. મેં મુક્ત વિચારોને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસની સંસ્થાગત ચૂંટણી માટેનું શિડ્યૂલ પણ કારોબારી સમક્ષ રજૂ કર્યું હતું.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમા મોટી સંખ્યામાં કોંગ્રેસના યુવા નેતાઓએ પાર્ટીની નીતિઓ જનતા સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોંગ્રેસ ક્યારેય જનતા માટે મહત્ત્વના મુદ્દાઓ પ્રત્યે આંખ આડા કાન કરતી નથી. પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સામે ઘણા પડકારો હોવા છતાં જો એકજૂથ થઈ, શિસ્તમાં રહી અને પાર્ટીના હિતો પર જ ધ્યાન રાખીશું તો આપણે સારો દેખાવ કરી શકીશું. કોંગ્રેસ કારોબારીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ બનાવવા ઠરાવ મૂક્યો હતો જેના પર કારોબારીમાં હાજર તમામ વરિષ્ઠ નેતાઓ અને જી-૨૩ના સભ્યોએ પણ હામી ભરી હતી. રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પ્રમુખ બનવા પર વિચાર કરીશ. આમ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનશે તે નક્કી થઈ ગયું છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, પાર્ટીન દરેક સભ્ય ઇચ્છે છે કે પાર્ટી પુનર્જીવિત થાય પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે પાર્ટીમાં એકતા, સ્વનિયંત્રણ, શિસ્ત હશે અને નેતાઓ પાર્ટીના હિતોને જ સર્વોપરી રાખશે. તાજેતરમાં કોંગ્રેસમાં નિર્ણાયક પ્રક્રિયા પર સવાલો ઉઠાવનારા કપિલ સિબ્બલ સહિતના જી-૨૩ના નેતાઓને આકરો સંદેશો આપતાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મારી સાથે મીડિાયના માધ્યમથી વાત કરવાની જરૂર નથી. આ ચાર દિવાલની બહાર કોંગ્રેસ કારોબારીએ સર્વાનુમતે લીધેલો નિર્ણય જ જવો જોઈએ.
નવા કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી સપ્ટેમ્બર ૨૦૨૨માં યોજાશે
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી સપ્ટેમ્બર ૨૦૨૨માં યોજાશે. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી ૩૦ જૂન સુધીમાં યોજાવાની હતી પરંતુ કોરોના મહામારીના સેકન્ડ વેવના કારણે તે અચોક્કસ મુદત માટે મોકૂફ કરવી પડી હતી. આજે કોંગ્રેસની સંસ્થાગત ચૂંટણી માટે સ્પષ્ટતા કરવાની જરૂર છે. મેં સંસ્થાગત ચૂંટણીનો આખો કાર્યક્રમ કોંગ્રેસ કારોબારી સમક્ષ રજૂ કરી દીધો છે.