NTPC કચ્છમાં ભારતનો સૌથી મોટો ૪,૭૫૦ મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપશે

Thursday 22nd July 2021 04:16 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં કચ્છના રણમાં દેશનો સૌથી મોટો રિન્યુએબલ પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે. ભારતની સૌથી મોટી એનર્જી કંપની NTPCની ૧૦૦ ટકા પેટાકંપની NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડને ગુજરાતના ખાવડામાં કચ્છના રણ ખાતે ૪,૭૫૦ મેગાવોટનો સોલાર પાર્ક બનાવવા માટે ન્યુ એન્ડ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)ની મંજૂરી મળી ગઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ભારતનો સૌથી મોટો સોલર પાર્ક હશે.
NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડને સોલર પાર્ક યોજનાના મોડ ૮ (અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક) હેઠળ ૧૨ જુલાઈ ૨૦૨૧ના રોજ MNREએ કચ્છમાં સોલાર પાર્ક બનાવવા માટે મંજૂરી આપી હતી. કંપનીની આ પાર્કમાંથી વ્યવસાયિક ધોરણે ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની યોજના છે. તેના ગ્રીન એનર્જી પોર્ટફોલિયોના વૃદ્ધિના ભાગ રૂપે, ભારતની સૌથી મોટી ઉર્જા સંકલિત કંપની NTPC લિમિટેડ ૨૦૩૨ સુધીમાં ૬૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. હાલમાં, કંપની પાસે નિર્માણાધીન ૭૦ પાવર પ્રોજેક્ટ્સમાં વધારાની ૧૮ ગીગાવોટની ક્ષમતા સાથે ૬૬ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા છે.

આંધ્રપ્રદેશ, તેલંગાણામાં ૧૨૫ મેગાવોટના પ્રોજેક્ટ

તાજેતરમાં, NTPCએ આંધ્રપ્રદેશના સિમ્હાદ્રી થર્મલ પાવર પ્લાન્ટના જળાશય પર ભારતના સૌથી મોટા ૧૦ મેગાવોટના ફ્લોટિંગ સોલારની પણ શરૂઆત કરી છે. વધારાના ૧૫ મેગાવોટ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત, તેલંગાણાના રામગુંદમ થર્મલ પાવર પ્લાન્ટના જળાશય પર ૧૦૦ મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલીકરણના અંતિમ તબક્કામાં છે.


comments powered by Disqus