ઈડર: ઇડરની ચારે તરફ અરવલ્લીની ગિરિમાળાઓ પથરાયેલી હોવાથી કુદરતી સૌંદર્ય પણ બેનમુન છે. ૧૯૯૬માં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને કભી-કભી (એબી-બેબી) આલબમનું શૂટિંગ ઇડરના લાલોડા ગામના ડુંગરો પર કર્યું હતું. જોકે ‘અમિતાભવાળા’ નામે ઓળખાતા ડુંગરનું ખનનકારોએ નામોનિશાન મિટાવી દીધું છે. હાલમાં આ ડુંગરની જગ્યા પર ૨૦૦ ફુટ જેટલી જમીનમાં ખનન ચાલી રહ્યુ છે.
૨૫ વર્ષ અગાઉ અમૂલ પર ડોકયુમેન્ટરી બનાવનાર પ્રોડયુસર અને ફિલ્મમેકર રાકેશ મહેરાના મોઢે ઇડર આસપાસના ડુંગરોની સૌદર્ય ગાથા સાંભળી અમિતાભ બચ્ચને પણ તેઓના કભી-કભી નામના આલબમનું શૂટિંગ માટે ઇડરના ડુંગરોની પસંદગી કરી હતી. આ માટે તેઓએ લાલોડા ગામની સીમમાં આવેલા પથ્થરીયા પહાડ પર સેટ ગોઠવ્યો હતો. બચ્ચને પણ ઇડરના ડુંગરો અને કુદરતી સૌદર્યની અદભુત મજા માણી હતી.
બચ્ચનના આલબમના શૂટિંગના કારણે લાલોડા ગામના આ ડુંગરને નવા નામ અને ઓળખ મળી હતી. જોકે બાદમાં આ ડુંગર અમિતાભવાળા ડુંગર તરીકે ઓળખવા લાગ્યો હતો. જોકે ખનનકારોના પાપે ઇડરમાંથી અસંખ્ય ઐતિહાસિક ડુંગરોનું નામોનિશાન નીકળી ગયું છે તેમાં આ ડુંગરનો પણ સમાવેશ થાય છે. કભી-કભી શૂટિંગ વખતનો ડુંગર માત્ર આલબમમાં જ રહી ગયો છે. અમિતાભ બચ્ચને જે તે વખતે આ ડુંગર પર ફરી વાર આવવાનું આપેલું વચન પણ પુરું થાય તેમ નથી કારણ કે આ ડુંગર નામશેષ થઈ ગયો છે.