ગાંધીનગરઃ સર્વ શિક્ષા અભિયાનના ઈજનેરને એન્ટી-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ૧.૨૧ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં તેના બેંક લોકરની તપાસ કરતાં રૂ. ૨.૨૭ કરોડની માતબર રકમની રોકડ મળી આવી હતી. આ ઈજનેર જુદી જુદી બેંકમાં ચાર લોકર ધરાવતો હતો, જેની તપાસ કરતા તેમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. કોઇ એક લાંચિયા સરકારી બાબુ પાસેથી આટલી મોટી રકમ મળી આવી હોય તેવી રાજ્યના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે.
તાજેતરમાં જ એસીબીએ સેક્ટર-૧૭ સ્થિત સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં છટકું ગોઠવીને સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર નિપુણ ચંદ્રવદન ચોક્સીને રૂ. ૧.૨૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. તેણે પાટણના સમી તાલુકામાં હોસ્ટેલ તથા બાલિકા વિદ્યાલયનું કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી બીલ પાસ કરાવવાના બદલામાં લાંચની માંગી હતી. લાંચ લેતા ઝડપાયેલા ચોક્સીની પૂછપરછમાં તે ગાંધીનગરની ત્રણ બેંકોમાં ચાર લોકર ધરાવતો હોવાનું બહાર આવ્યું હતું. જે પૈકી મીના બજાર સ્થિત નાગરિક બેંકના લોકરમાંથી ૭૪.૫૦ લાખની રોકડ અને ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના બે લોકરમાંથી રૂ. ૧.૫૨ કરોડની માતબર રોકડ આવી હતી. આ ઉપરાંત કેનેરા બેંકના લોકરમાંથી ૩૦૦ ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર નિપુણ ચોક્સી મુળ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનો વર્ગ-૨નો કર્મચારી છે. તે ડેપ્યુટેશન પર સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં ફરજ બજાવતો હતો. તેનું ટુંક સમયમાં જ ક્લાસ વન અધિકારી તરીકેનું પ્રમોશન આવવાનું હતું.