અમદાવાદ: ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પોતાની ગેંગ બનાવીને બોલિવૂડ અભિનેતાઓ સહિત વેપારીઓને ધાકધમકી આપી કરોડોની ખંડણી ઉઘરાવનાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની બોરસદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરવાના કેસમાં ધરપકડ કરાઇ છે. હાલ કર્ણાટક પોલીસના કબજામાં રહેલા રવિ પૂજારીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કસ્ટડી મેળવી છે અને તેને ટ્રાન્ઝિટ રિમાન્ડથી ગુજરાત લાવી છે.
વર્ષ ૨૦૧૭માં પાલિકાની ચૂંટણીમાં બોરસદના વોર્ડ નંબર એકમાંથી પ્રજ્ઞેશ પટેલ અને ચંદ્રેશની માતા શાંતાબેન ઉમેદવાર તરીકે ઊભા રહ્યાં હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલનો વિજય થયો હતો. બીજી તરફ પ્રજ્ઞેશના ભાઇ સંકેત અને ચંદ્રેશ વચ્ચે ટીવી કેબલવોર ચાલી રહી હતી. જેમાં સંકેત અને તેના માણસોએ ચંદ્રેશને માર માર્યો હતો, જેથી બંને ભાઇઓ સાથે અદાવતનો બદલો લેવા ચંદ્રેશે વડોદરા જેલમાં સજા ભોગવી આવેલા સુરેશ અન્નાનો સંપર્ક સાધ્યો હતો. ૨૦૧૭માં બોરસદમાં રવિ પૂજારીના ઇશારે તેની ગેંગના સાગરિતોએ કોર્પોરેટર પ્રજ્ઞેશ પર ફાયરિંગ કર્યા હતા. જોકે તેમાં કોર્પોરેટરનો બચાવ થયો હતો. આ કેસની તપાસ જે તે વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૯થી ૨૦૧૩ની વચ્ચે રવિ પૂજારી અને તેના સાગરિકોએ બોલિવૂડ અભિનેતાઓ સલમાન ખાન, અક્ષયકુમાર સહિત અનેક અભિનેતાને ધાકધમકી આપી હતી. અંડરવર્લ્ડમાં નામ કરવા માટે મૂળ કર્ણાટકના રવિ પૂજારીએ ૧૯૯૦માં ગેંગસ્ટર છોટા રાજનની ગેંગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
વિદેશમાં રવિ પૂજારીની એક રેસ્ટોરાં પણ છે
લોકોની ડરાવી-ધમકાવીને પોતાની ગેંગની મદદથી કરોડો રૂપિયાની ખંડણી મેળવનાર ડોન રવિ પૂજારી વિદેશમાં આફ્રિકાના સેનેગલમાં રહેવા લાગ્યો હતો. અને ત્યાં પોતાની માલિકીની નમસ્તે ઇન્ડિયા નામની એક રેસ્ટોરાં ચલાવતો હતો. જોકે રવિ પૂજારીને આફ્રિકાથી ધરપકડ કરી ભારત લાવવામાં આવ્યો છે. છેલ્લે તે મહારાષ્ટ્રની જેલમાં કેદ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની બેંગલૂરુમાં ખંડણી માગવાના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે કર્ણાટક પોલીસે કસ્ટડીમાં લીધો હતો. ત્યારથી તે બેંગલૂરુની જેલમાં હતો.