વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના સ્પષ્ટ અને સ્વચ્છ છબી ધરાવતા ડોકટર મહેન્દ્રભાઇ મુંજપરાને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ ટિકિટ આપતા લાખો મતે ભાજપમાંથી વિજેતા થયા હતા. તેઓ સાંસદ બન્યા હોવા છતાંય શહેરમાં સ્કુટર લઇને ફરતા હોય ત્યારે કોઇ પણ વ્યકિત બજારમાં મળી જાય અને તેમને ઉભા રાખીને કામ બતાવે તો તરત જ ડિકીમાંથી ડાયરી કાઢી લખી લે અને ભલામણ કરવાની હોય તો પણ સીધી જ ભલામણ કરતા આવ્યા છે. આમ જિલ્લાભરના રાજકારણીઓમાં સાંસદ ડો. મુંજપરાની છબી સાદગી-પ્રિય નેતા તરીકે ઉપસી છે.
ગયા પખવાડિયે થયેલા કેન્દ્રીય પ્રધાન મંડળના વિસ્તરણમાં તેઓને મહિલા-બાળ વિકાસ વિભાગના રાજય કક્ષાના પ્રધાન તરીકે સમાવેશ કરાતા તેઓને અલગ કાર્યાલય, નિવાસસ્થાન સહિતની સુવિધાઓ ફાળવાઇ છે. બીજી તરફ સરકારી પ્રોટોકોલ મુજબ તેઓને પોતાની સુરક્ષા માટે નવ કમાન્ડોની ફાળવણી કરવામાં આવ્યા હતા અને સરકારી કાર પણ ફાળવી દેવાઇ હતી જોકે તેઓએ પોતાને માથે કોઇ જોખમ ન હોવાનું જણાવી કમાન્ડોની સેવા અને એક કારની સેવા લેવાનો ઇન્કાર કરી સુરેન્દ્રનગરની જેમ દિલ્હીમાં પણ પોતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા તંત્ર, રાજકીય નેતાઓ અને સુરેન્દ્રનગર મતવિસ્તારના લોકોએ આનંદ સાથે ગર્વ મહેસુસ કર્યો છે.