રાજકોટઃ શનિદેવના શિંગળાપુર ગામમાં તાળાં મારવામાં નથી આવતાં તેના વિશે તો સૌએ જાણ્યું હશે, પરંતુ ગુજરાતમાં પણ એક એવું ગામ છે જ્યાં ઘરમાં મુખ્ય દરવાજા જ નથી. રાજકોટ નજીક આવેલા સાતડા ગામના એક પણ ઘરમાં દરવાજા નથી છતાં પણ ગામમાં ક્યારેય ચોરી થતી નથી!
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા નજીક આવેલા ૨ હજારની વસ્તી ધરાવતાં સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે પછી આલિશાન બંગલો ક્યાંય પણ મુખ્ય દરવાજો જોવા મળતો નથી. ગામના ૨૦૦ જેટલા મકાનો ખુલ્લા જોવા મળે છે. ઘરમાં કોઈ પણ કિંમતી ચીજવસ્તુ હોય તો પણ લોકો કોઈ ચિંતા વિના ઘરેથી બહાર જાય છે.ઘર બહાર નીકળવાનું થાય એટલે પહેલા લોકો દરવાજાનું તાળું તપાસી લેતા હોય છે. એટલું જ નહીં બે વખત ખેંચીને પણ જોઈ લેતા હોય છે લોક બરાબર લાગ્યો કે નહીં? પરંતુ રાજકોટથી ૩૫ કિલોમીટર દૂર આવેલા સાતડા ગામમાં કોઈ ઘરે મુખ્ય દરવાજો જોવા નથી મળતો. ગામ નજીક ભૈરવદાદાનું મંદિર આવેલું જે તમામ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતીક છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, એ ભૈરવદાદા જ ગામની રક્ષા કરે છે. જેથી ગામમાં દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરીની ઘટના બનતી નથી. ગામમાં ચોરી થતી નથી એટલું જ નહીં, આસપાસ વાડી-ખેતરમાં પણ ચોરીનો એક પણ બનાવ બન્યો નથી. જોકે ઘરમાં પશુઓ કે શ્વાન ન ઘૂસે તે માટે લોકો ઘર બહાર નાનું પતરું રાખે છે.
આ ગામમાં જ ચોરી થતી નથી તે ઉપરાંત બહારથી ચોરી કરીને આવનાર પણ ગામમાં પ્રવેશી શક્તા નથી. સ્થાનિકોનું કહેવું છે કે, થોડા સમય પહેલા બીજા ગામમાંથી ભેંસની ચોરી કરીને બહારથી તસ્કરો સાતડા ગામમાં પ્રવેશ્યા હતા. બાદમાં તુરંત જ તે પકડાઈ ગયાં હતા. જેથી હવે બહારથી ચોરી કરીને પણ કોઈ પ્રવેશતું નથી.