ભાવનગર: પાલીતાણા શહેરના હાથીયાધાર વિસ્તારની પાછળના ભાગે આવેલ માસ્તર સોસાયટી નજીક રહેતા અને મજૂરી કામ કરતા જેન્તીભાઇ સરવૈયા લાકડાઓ લેવા માટે શક્તિનગર વિસ્તારમાં ગયા હતા તે વેળાએ જેન્તીભાઇ થોડા સમય પૂર્વે પોતાના ઘરે એક સોનુ નામનું કુતરૂં લાવ્યા હતા. જે કુતરાને લઇ આજ વિસ્તારના એક પરિવાર સાથે ઝઘડો ચાલતો હતો. પરિવારના એક મહિલાનું નામ સોનુ હોય જેને લઇ ચાલતા ઝઘડાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેન્તીભાઇના પત્નિ નિતાબેન સરવૈયા (૩૫) અને તેનો ૧૨ વર્ષિય પુત્ર બન્ને ઘરે હતા તે વેળાએ કેટલાક શખ્સોએ ધસી આવી નીતાબેન સાથે ઝઘડો કરી ચાલો લબાચા ભરી મકાન ખાલી કરી નાખો. એક કલાકનો સમય છે. તેમ કહી પુત્રની નજર સામે નિતાબેનના ઘરમાંથી કેરોસીનનું ડબલુ લઇ આવી તેઓ પર છાંટી દઇ કાંડી ચાપી જીવતા સળગાવી દેતા જોતજોતામાં નિતાબેન આગની લપેટમાં આવી ગયા હતા. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
