રાજકોટઃ સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે. ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્ર ખોડલધામના ૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેને પગલે ખોડલધામ પાટોત્સવના નામે નરેશ પટેલ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે હાલ નરેશ પટેલ દરેક જિલ્લામાં પાટીદારોનો સંપર્ક કરીને આગામી ચૂંટણી લડવી કે નહીં તેનો તાગ મેળવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
છેલ્લા દોઢ માસથી ખુદ નરેશ પટેલ અને તેમની ટીમ દ્વારા સૌરાષ્ટ્રના અને જિલ્લાના તાલુકના પ્રવાસ શરૂ કરી રૂબરૂ આમંત્રણ આપવામાં આવી રહ્યા છે.
અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ?
ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે હવે નરેશ પટેલ ગુજરાતના રાજકરણમાં પોતાના નિવેદનોથી ગરમાવો જગાવી રહ્યા છે.
રાજકારણમાં જવાના આપ્યા સંકેત
આ પૃર્વે પણ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.
વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો
મહત્ત્વની બાબત એ છે કે, જો કોરોનાની ગાઈડલાઈન્સ હળવી થશે તો ખોડલધામના પાટોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે એવા પ્રાથમિક નિર્દેશો છે. ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. કાર્યક્રમ વિશે પ્રાથમિક માહિતી આપી દેવામાં આવી છે. તરત જ વિધિસર આમંત્રણ આપવા માટે ટ્રસ્ટીઓ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળશે.

