ગાંધીનગર: વર્ષ ૨૦૧૯ ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનો ઇન્કાર કર્યા બાદ યુકે એ આગામી વર્ષ ૨૦૨૨ની સમિટમાં ફરી એકવાર ગુજરાત સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. ગુજરાતમાં આવવાનો ફાયદો થતો નથી તેવા વલણ સાથે ગત સમિટમાં યુકેએ પાર્ટનર કન્ટ્રી બનવાનો ગુજરાત સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. જોકે, યુએસએ સતત બીજીવખત પાર્ટનર કન્ટ્રી બનવાથી દૂર રહ્યું છે.
ઓમિક્રોનના ભય વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજાઇ રહી હોવાથી શરૂઆતના તબક્કે પાર્ટનર કન્ટ્રી બનવા દેશોનું કન્ફર્મેશન મળ્યું ન હતું, પરંતુ હવે ગુજરાત સરકારનો પ્રસ્તાવ સ્વીકારીને ૧૮ દેશોએ પાર્ટનર કન્ટ્રી બનવાની સંમતિ આપી છે. આ દેશો હવે વાઈબ્રન્ટ સમિટની ૧૦ મી આવૃત્તિમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે.
ગત સમિટમાં ૧૬ દેશો જોડાયા હતા જ્યારે આ વખતે ૧૮ દેશો સમિટના પાર્ટનર બન્યા છે એટલે કે વધુ બે દેશો આ વખતે આ સમિટમાં ભાગ લેશે. જર્મની, ઇટલી, મોઝામ્બિક અને શ્રીલંકા જેવા દેશો પણ આ વખતે જોડાયા છે.
ઓમિક્રોન સંક્રમણને કારણે ભારત સરકારે હાઇ રિસ્ક કેટેગરીમાં મૂક્યા છે તેવા દેશોના નામ પણ પાર્ટનર કન્ટ્રીમાં સામેલ છે. વાયબ્રન્ટ સમિટ માટે અત્યારસુધીમાં ૭ હજારથી વધુ વ્યક્તિગત રજિસ્ટ્રેશન થયા છે જ્યારે ૪,૮૮૪ કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું છે.
વેક્સિનના બે ડોઝ નહીં લીધા હોય તેવા ડેલિગેટને વાઇબ્રન્ટ સમિટમાં પ્રવેશ નહીં
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ખતરા સાથે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં ૧૦મી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ થવાની છે ત્યારે એવા મહેમાનોને સમિટમાં પ્રવેશ આપવામાં આવશે કે જેમણે કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હશે. એટલું જ નહીં કોરોના ટેસ્ટ કરવા માટે આ પરિસરમાં મેડીકલ સુવિધા સાતે સજ્જ વાન, ટેસ્ટીંગ સેન્ટર અને ઓપીડી સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યું છે.
આ સમિટના આયોજન પહેલાં મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી પરંતુ કેસ ઓછાં થઇ જતા આ હોસ્પિટલને દૂર કરીને બિઝનેસ સમિટ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
વાયબ્રન્ટ સમિટ ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન થવાની ત્યારે મોટાભાગની સમિટ વર્ચ્યુઅલ તરફ આગળ વધી રહી છે. અલબત્ત, આ સમિટમાં ભાગ લેવા માટે આવનારા વિદેશી મહેમાનો, ડેલિગેટ્સ, બિઝનેસ પ્રતિનિધિમંડળો તેમજ અન્ય રાજ્યોના ઉદ્યોગપતિઓના આરોગ્યની ચકાસણી માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે આ સમિટમાં ભાગ લેવા માટે પ્રવેશદ્વારા પાસે તમામ વ્યક્તિઓને સ્ક્રીનીંગ ઉપરતાં વેક્સિનેશનના બે ડોઝનું વેરિફિકેશન કરવામાં આવશે. વિશ્વના ૬૦થી વધુ દેશોમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યાં છે ત્યારે ભારત અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.

