ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું

Tuesday 21st December 2021 15:14 EST
 
 

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટયું છે તે વાતની આખરે રાજ્ય સરકારે કબૂલાત કરી છે. ખુદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી કબૂલ્યું હતું કે પ્રશ્નપત્ર લીક થયું છે અને સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.
આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પેપર લીક કૌભાંડમાં કુલ ૧૧ આરોપીઓ પૈકી ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓની શોધખોળ જારી છે. અત્યાર સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરાએ હેડ ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નપત્ર ફૂટયું છે તેવી કોઇ પણ ફરિયાદ મળી નથી તેવું રટણ ચાલુ રાખી આ વાતનો સ્વીકાર જ કર્યો ન હતો પણ આજે રાજ્યના ગૃહમંત્રીએ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
રૂ. ૧૦-૧૫ લાખમાં પેપર વેચવાનું નક્કી થયું હતું
સમગ્ર ઘટના આ અંગે એવી માહિતી બહાર આવી છે કે, હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર રૂપિયા ૧૦-૧૫ લાખમાં વેચવાનું નક્કી થયું હતું. પોલીસને પ્રાથમિક તબક્કે એવી પણ જાણકારી મળી છે કે, માસ્ટર માઇન્ડ જયેશ પટેલે પ્રશ્નપત્ર મેળવીને જશવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને આપ્યું હતું.
પેપર લીક કૌભાંડ મુદ્દે ‘આપ’ ઘૂસી ગયું કમલમમાં
પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ સચિવાલય ખાતે વિરોધ કરી શકે તેવા ઈનપુટના આધારે સચિવાલયના ગેટ બંધ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ આપના નેતાઓએ અચાનક જ કોબા સ્થિત કમલમ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઈ હતી. અહીંથી જ આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત ૭૦ લોકોની પોલીસે અટકાયત કરી ગાંધીનગર ખાતે લઈ આવી હતી. પોલીસે આ તમામ સામે વિવિધ બિનજામીનપાત્ર ગુન્હા નોંધી ધરપકડ કરી છે.
ઇસુદાન ગઢવી દારૂ પીને આવ્યા અને છેડતી કરીઃ ભાજપની મહિલા કાર્યકર
ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે તેમાનાં ઘણાં નેતાઓ અને કાર્યકર્તાઓએ મારા સહિતની અન્ય ભાજપની મહિલા કાર્યકર્તાઓ સાથે ગંદી ગાળાગાળી કરી, તેમની પાસે રહેલાં દંડા અમારા શરીરના ગુપ્ત ભાગોમાં નાખવાનો પ્રયાસ કર્યો અને ઇસુદાન ગઢવી તેમજ અન્ય લોકો દારૂ પીને આવ્યા હતા.


comments powered by Disqus