યુકેથી આવેલાં આણંદ અને નડિયાદનાં ૨ દંપતી પોઝિટિવ

Tuesday 21st December 2021 11:37 EST
 

અમદાવાદ: યુકેથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજરાતના ૪ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચારમાંથી બે પેસેન્જર આણંદના અને બે પેસેન્જર નડિયાદના છે. પોઝિટિવ આવેલા બંને દંપતી છે. રિપોર્ટને પગલે એક દંપતીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કરમસદ મેડિકલ કોલેજ અને અન્ય એક દંપતીને ખેડા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. યુકે હાઈરિસ્ક કન્ટ્રીની યાદીમાં આવતું હોવાથી સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલાયા છે.
જોખમી દેશોની યાદીમાં સામેલ દેશોમાંથી આવતાં પેસેન્જરનો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે અને રિપોર્ટ આવ્યા બાદ તેમને જવા દેવામાં આવે છે. યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં તમામ મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બે દંપતીના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તેમની આસપાસની સીટ પર બેઠેલા પેસેન્જરોને પણ તત્કાલ ક્વોરન્ટાઇન રહેવાની સૂચના અપાઈ છે. હેલ્થ વિભાગ આ પેસેન્જરોની પણ સતત તપાસ કરતો રહેશે.
પોઝિટિવ આવેલા આણંદના દંપતીએ કરમસદ મેડિકલ કોલેજમાં દાખલ થવાની ઇચ્છા બતાવી હતી. જ્યારે નડિયાદના પરિવારને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. ઓમિક્રોનના ખતરાને જોતાં ચારેયના એરપોર્ટ પર જ વધારાના નમૂના લેવામાં આવ્યા હતા. ઓમિક્રોનનો ચેપ છે કે નહીં તે જાણવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.


comments powered by Disqus