અમદાવાદઃ રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ૨૧ ડિસેમ્બરની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૭ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૭૩ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૨૧ ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૩૩ નવા કેસ નોંધાયા છે. ૨ શહેર અને ૨૫ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે રાજકોટ શહેર અને વલસાડમાં કોરોનાથી ૧-૧ દર્દીનું મોત થયું છે. તેમજ રાજ્યનો રિક્વરી રેટ ૯૮.૭૧ ટકા રહ્યો છે.
રાજ્યમાં સતત બીજા દિવસે મોત નોંધાયા
વલસાડમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે. અગાઉ ૧૦ મી ડિસેમ્બરે રાજ્યમાં ૩ દર્દીનાં મોત નોઁધાયા હતા. ડિસેમ્બરમાં માસમાં કુલ ૧૧ લોકોના મોત થયા છે. ૨૦ સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા ૮ કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ ૭ અને નવેમ્બરમાં ૫ દર્દીના મોત નોંધાયા હતા. અગાઉ રાજ્યમાં ૧૬ સપ્ટેમ્બર સુધી સતત ૫૦ દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.
૫૮૯ એક્ટિવ કેસ અને ૮ દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૨૮ હજાર ૭૦૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૦૪ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૮ હજાર ૧૦ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૫૮૯ એક્ટિવ કેસ છે, જેમાંથી ૮ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૫૮૧ દર્દીની હાલત સ્થિર છે.
લંડનથી આવેલા ૧૫ વર્ષના કિશોરને ઓમિક્રોમ
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. લંડનથી ૧૪ ડિસેમ્બરે સેક્ટર-૧ માં આવેલા પરિવારના ૧૫ વર્ષીય કિશોરને પાંચ દિવસ બાદ શરદી-ખાંસી થતાં કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તેમાં તેનો આરટી-પીસીઆર પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કિશોર પોઝિટિવ આવતા જ તેના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિના ટેસ્ટ કરાયા હતા. તેના સેમ્પલ પણ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની તૈયારી કરાઈ છે. આ ઉપરાંત ટાન્ઝાનિયાથી સારવાર માટે આવેલું એક દંપતી પણ રવિવારે ઓમિક્રોન પોઝિટિવ આવ્યું છે, જેમને હવે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે. આ ઉપરાંત બ્રિટન-દુબઈથી અમદાવાદ આવેલો તેમજ સિવિલ હોસ્પિટલમાં દાખલ આણંદનો ૪૮ વર્ષીય પુરુષ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.
વડોદરામાં ઓમિક્રોનની એન્ટ્રી, નોન હાઈ રિસ્ક દેશથી આવેલા પતિ-પત્ની ચેપગ્રસ્ત
વિજાપુરના પિલવાઈમાં ગામ બહાર નિકળ્યા નથી તેવા મહિલામાં બાદ વડોદરામાં પણ ભારત સરકારે ઓમિક્રોન માટે જે દેશને હાઈરિસ્ક ગણ્યો નથી તેવા ઝામ્બીયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દંપત્તીમાં કોરોનાના આ નવા વેરિઅન્ટથી પુષ્ટી થઈ છે. વડોદરાના ફેતપૂરા વિસ્તારમાં ૭૫ વર્ષના પુરૂષ અને ૬૭ વર્ષના મહિલા પરીજનોને મળવા ઈસ્ટ આફિક્રાના ઝામ્બીયા ગયા હતા. જ્યાંથી તેઓ ૧૦ દિવસ અગાઉ પરત આવ્યા હતા. ૭ ડિસેમ્બરે એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે આ દંપત્તિનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે, સ્થાનિક મ્યુ. કોર્પોરેશને ૭ દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન રહેવા ફરજ પાડતા ફરીથી ૧૧ ડિસેમ્બરે લેવાયેલા સેમ્પલનો ૧૨મી ડિસેમ્બરે RT-PCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ બેઉને કોરોનોનો ચેપ હોવાનું સ્પષ્ટ થતા તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં આવ્યા હતા.
